ભારતે ‘અગ્નિ પી’ મિસાઈલનું ઓડિશામાં સફળ પરીક્ષણ કર્યું

442

નવી દિલ્હી : ભારતે ઓડિશા કાંઠે ડો.અબ્દુલ કલામ ટાપુ પરથી નવી પેઢીની પરમાણુ સક્ષમ બેલાસ્ટિક મિસાઈલ ‘અગ્ની પી’નું શનિવારે સફળ પરીક્ષણ કર્યું હતું.ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ)એ જણાવ્યું હતું કે,આ બે તબક્કાની કેનિસ્ટરાઈઝ્ડ સોલિડ પ્રોપેલન્ટ બેલિસ્ટિક મિસાઈલ છે જે ડ્યુઅલ રીડન્ડન્ટ નેવિગેશન અને ગાઈડન્સ સિસ્ટમ ધરાવે છે.અગ્નિ પી મિસાઈલનું શનિવારે સવારે 11.06 કલાકે પરીક્ષમ કરવામાં આવ્યું હતું.

એનઆઈએના એક રિપોર્ટમાં જણાવાયું છે કે પરમાણુ સક્ષમ વ્યૂહાત્મક મિસાઈલ અગ્નિ પ્રાઈમમાં અનેક નવા ફીચર્સ જોડવામાં આવ્યા છે.આ મિસાઈલની મારક ક્ષમતા 1,000થી 2,000 કિલોમીટર વચ્ચે છે.અગ્નિ-પી બેલિસ્ટિક મિસાઈલનું વજન અગાઉના અગ્નિ-3 મિસાઈલ કરતા 50 ટકા ઓછું છે અને તેને ટ્રેન અથવા રોડ માર્ગેથી લોન્ચ કરી શકાય છે.આ મિસાઈલના બીજા ફ્લાઈટ ટેસ્ટમાં તેની તમામ એડવાન્સ્ડ ટેક્નોલોજીસ સાથેનું પ્રદર્શન વિશ્વાસપાત્ર રહ્યું હોવાનું ડીઆરડીઓએ જણાવ્યું છે.

ડીઆરડીઓના મતે પૂર્વ કાંઠા પર સ્થિત વિવિધ ટેલીમેટ્રી,રડાર,ઈલેક્ટ્રો-ઓપ્ટિકલ સ્ટેશન અને ડાઉનરેન્જ જહાજની મદદથી મિસાઈલના પ્રેક્ષપણ પથ અને પેરામીટર્સ પર નજર રાખી હતી.મિસાઈલ ઉચ્ચ સ્તરીય સચોટતા સાથે મિશનના તમામ ઉદ્દેશોને પૂર્ણ કરતા નિર્ધારિત લક્ષ્યને હાંસલ કરવામાં સફળ રહી હતી.

દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહે ડીઆરડીઓને આ સફળ પરીક્ષણ બદલ શુભેચ્છા આપી હતી અને મિસાઈલના ઉત્કૃષ્ટ પરિણામ બદલ ખુશી વ્યક્ત કરી હતી.ડીઆરડીઓના ચેરમેન ડો.જી સતીષ રેડ્ડીએ ટીમના સભ્યોના પ્રયાસને બિરદાવ્યા હતા.અગાઉ 28 જૂને દેશની નવી પેઢીની પરમાણુ સક્ષમ અગ્નિ પ્રાઈમ મિસાઈલનું પ્રથમ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

Share Now