આવકવેરા વિભાગે પ.બંગાળના બે જૂથોનું રૃ. ૧૨૫ કરોડનું કાળું નાણું પકડી પાડયું

148

– બિનહિસાબી રોકડ વેચાણ દ્વારા રૃ. ૬૬ કરોડની ગેરકાયદે આવકનું સર્જન
– આસનસોલ સ્થિત સ્ટીલ અને આર્યન ઓરના ઉત્પાદન સાથે સંકળાયેલા બે જૂથોના ૩૦ પરિસરોમાંથી રૃ. બે કરોડથી વધુની રોકડ અને જ્વેલરી જપ્ત

નવી દિલ્હી, તા. ૨૧ : પશ્ચિમ બંગાળના આસનસોલ સ્થિત સ્ટીલ અને આર્યન ઓરના ઉત્પાદન સાથે સંકળાયેલા બે જૂથો પર દરોડા પાડીને આવકવેરા વિભાગે ૧૨૫ કરોડ રૃપિયાનું કાળું નાણું પકડી પાડયું છે તેમ સીબીડીટીએ એક નિવેદનમાં જણાવ્યું છે.

આ બંને જૂથોના કુલ ૩૦ પરિસરોમાં દરોડા પાડવામાં આવ્યા હતાં.આ બંને જૂથો સિમેન્ટ,પોલી ફેબ,એગ્રો ટેક બિઝનેસ સાથે પણ સંકળાયેલા છે.સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસે એક નિવેદનમાં જણાવ્યું છે કે દરોડા દરમિયાન બે કરોડ રૃપિયાથી વધુની બિનહિસાબી રોડ અને જવેલરી જપ્ત કરવામાં આવી છે.તમામ પરિસરોના દરોડામાં કુલ ૧૨૫ કરોડનું કાળું નાણું પકડી પાડવામાં આવ્યું છે.

દરોડા દરમિયાન એસડી કાર્ડમાં સંગ્રહિત ડિજિટલ રેકોર્ડ અને કેટલાક દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે.આવકવેરા વિભાગ માટે ઉચ્ચ નિર્ણયો લેતી સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ(સીબીડીટી)એ જણાવ્યું છે કે એસડી કાર્ડમાં બિનહિસાબી વેચાણના પુરાવા રાખવામાં આવ્યા હતાં.બિનહિસાબી રોકડ વ્યવહારોનું સંચાલન કંપની ડાયરેક્ટરોના ખાસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવતું હતું.આ જૂથના એક મહત્ત્વપૂર્ણ વ્યકિતએ સ્વીકાર કર્યો છે કે બિનહિસાબી રોકડ વેચાણ દ્વારા ૬૬ કરોડ રૃપિયાની આવક થઇ હોવાનું સ્વીકાર્યુ છે.

આવકવેરા વિભાગે વધુમાં દાવો કર્યો છે કે આવક ઓછી દર્શાવવા માટે કંપની દ્વારા ગેરકાયદે ખરીદી કરવામાં આવી હતી.આ ગેરકાયદે ખરીદી ૨૦ કરોડ રૃપિયાથી વધુ હોવાનો અંદાજ છે.આ માટે શેલ કંપનીના બિલો રજૂ કરવામાં આવ્યા હતાં.આ શેલ કંપનીઓ હવાલા ઓપરેટરો દ્વારા ચલાવવામાં આવતી હતી.

Share Now