ફાઇવ-જીના લીધે વિમાનો ઉડી નહી શકેઃ એરલાઇન્સના સીઇઓની ચેતવણી

194

નવી દિલ્હીઃ અમેરિકાની પેસેન્જર અને કાર્ગો કેરિયરના ચીફ એક્ઝિક્યુટિવે ચેતવણી આપી છે કે ફાઇવ-જી શરૂ થવાના લીધે અમેરિકાની વિમાની કંપનીઓની ફ્લાઇટ્સ પર ભારે અસર થશે અને કેટલીય ફ્લાઇટ્સ ઉડી નહી શકે અને તેના કારણે રીતસરની અંધાધૂંધી સર્જાશે.

એરલાઇન્સે રીતસરની ચેતવણી આપી છે કે એટી એન્ડ ટી અને વેરિઝોન દ્વારા સ્થાપવામાં આવનારી નવી સી-બેન્ડ ફાઇવ-જી સર્વિસના લીધે કેટલાય મોટા વિમાનો ઉડી નહી શકે.તેના કારણે હજારો અમેરિકનો વિદેશમાં સપડાઈ શકે છે અને અમેરિકન ફ્લાઇટ્સના શેડયુલમાં અંધાધૂંધી સર્જાઈ શકે છે.

અમેરિકન એરલાઇન્સ,ડેલ્ટા એરલાઇન્સ,યુનાઇટેડ એરલાઇન્સ,સાઉથવેસ્ટ એરલાઇન્સ અને અન્યોએ લખ્યું હતું કે જ્યાં સુધી મોટા કેન્દ્રોને સ્પષ્ટપણે ફાઇવ-જીથી મુક્ત ન રખાય ત્યાં સુધી હવાઈ માર્ગે પ્રવાસન અને શિપિંગ અઘરુ કે અશક્ય બનશે.

ફેડરેશન એવિયેશન એડમિનિસ્ટ્રેશન (એફએએ) પણ ચેતવણી આપી છે કે ફાઇવ-જીના લીધે એરલાઇનના કેટલાય સંવેદનશીલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ જેવા કે ઓલ્ટીમીટર્સ પર અસર પડી શકે છે અને ઓછી વિઝિબિલિટીવાળી કામગીરી પર અસર પડી શકે છે.આ પત્રમાં ચેતવણી આપવામાં આવી હતી કે ગઇકાલ જેવો દિવસ હોય તો 1,100થી વધારે ફ્લાઇટ્સ રદ કરવી પડી શકે છે અને એક લાખથી વધારે પ્રવાસીઓ રઝળી શકે છે અથવા તો તેમને વિલંબ થઈ શકે છે.

એરલાઇન્સો તો સોમવારથી જ બુધવારે અમેરિકામાં આવનારી કેટલીક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવા વિચારી રહી છે.બોઇંગે જણાવ્યું હતું કે પસંદગીના એરપોર્ટ્સને ફાઇવજીથી મુક્ત રાખવામાં નહી આવે તો પરિવહન ઉદ્યોગે સર્વિસમાં અવરોધનો સામનો કરવો પડી શકે છે.અમને આશા છે કે અમે વિવિધ ઉદ્યોગો અને સરકાર સાથે કામ કરીને તેના અંગેનો ઉકેલ લાવી શકીશું,એમ વિમાન ઉત્પાદક કંપની બોઇંગે જણાવ્યું હતું.સરકારી એજન્સીઓએ સીઇઓના આ પત્ર પર કોઈ તાત્કાલિક ટિપ્પણી કરી નથી.

એટીએન્ડ ટી અને વેરિઝોન ગયા વર્ષે હરાજીમાં સી-બેન્ડ સ્પેકટ્રમ 80 અબજ ડોલર (5,95,040 કરોડ)માં જીત્યા હતા.તે ત્રીજી જાન્યુઆરીના જોખમ ઘટાડવા માટે 50 એરપોર્ટ પર બફર ઝોન માટે તૈયાર થયા છે.આ ઉપરાંત સંભવિત અવરોધ ટાળવા તે આગામી છ મહિના સુધી બીજા પગલાં લેશે.એરલાઇન્સોએ જણાવ્યું છે કે કેટલાક ચાવીરૂપ એરપોર્ટના બે માઇલના રન-વે સિવાય દેશના બધા સ્થળોએ ફાઇવ-જી અમલી કરવું જોઈએ.આ મોરચે તાત્કાલિક દરમિયાનગીરી નહીં કરાઈ તો એર પેસેન્જર્સ,શિપર્સ,સપ્લાય ચેઇન અને આવશ્યક મેડિકલ સપ્લાઇઝ પર અસર પડી શકે છે.

Share Now