બેંગ્લુરુ એરપોર્ટ પર ઇન્ડિગોના બે પ્લેન અથડાતા રહી ગયા 426 પેસેન્જરોનો આબાદ બચાવ

429
  • શિફ્ટ ઇનચાર્જ દ્વારા બે રનવેમાંથી એક રનવે બંધ કરી દેવાયો તે મુખ્ય કારણ.નોર્થ-સાઉથના કંટ્રોલરોએ એક સાથે બે ફ્લાઇટને ટેકઓફ માટે મંજૂરી આપી હતી,રાડાર કંટ્રોલરની સમયસૂચકતાથી દુર્ઘટના ટળી

નવી દિલ્હી : બેંગ્લુરુ એરપોર્ટ પર ૯મી જાન્યુઆરીના રોજ સવારે ઇન્ડિગોના બે પ્લેને ટેક-ઓફ કર્યાના તરત જ હવામાં અથડામણ ટાળી હતી. આમ મોટી દુર્ઘટના સર્જાતી રહી ગઈ હતી.આમ બંને વિમાનોના થઈને કુલ ૪૨૬  પ્રવાસીઓનો જીવ બચ્યો હતો.આ ઘટના કોઈપણ લોગબૂકમાં નોંધાઈ નથી.એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એએઆઇ)ને પણ તેનું રિપોર્ટિંગ કરવામાં આવ્યું નથી.

ડીજીસીએના ચીફ અરૂણકુમારે જણાવ્યું હતું કે રેગ્યુલેટર ઘટનાની તપાસ કરી રહ્યા છે અને દોષિત સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે.

આ અંગે ઇન્ડિગો અને એએઆઇએ પૂછાયેલા સવાલોનો જવાબ આપ્યો ન હતો. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન(ડીજીસીએ)એ જણાવ્યું હતું કે ઇન્ડિગોના બે પ્લેન બેંગ્લુરુથી કોલકાતા(૬ઇ૪૫૫)અને બેંગ્લુરુથી ભુવનેશ્વર (૬ઇ૨૪૬)બેંગ્લુરુ એરપોર્ટ ખાતે બ્રીચ ઓફ સેપરેશનના થયેલા નિયમ ભંગ સાથે જોડાયેલા હતા.આ બંને એરક્રાફ્ટ બેંગ્લુરુ એરપોર્ટ પર ૯મી જાન્યુઆરીના રોજ સવારે ફક્ત પાંચ મિનિટના સમયગાળામાં જ ઉડયા હતા. આ સમગ્ર ઘટના એ રીતે બની હતી કે બેંગ્લુરુ એરપોર્ટ બે રનવે ચલાવે છે.એક તો નોર્થ અને બીજો સાઉથ.સાતમી જાન્યુઆરી સુધી ફ્લાઇટ્સ નોર્થ રનવે પરથી ટેકઓફ કરતી હતી અને સાઉથ રનવે પર લેન્ડ કરતી હતી.

પણ રનવે કામગીરીના શિફ્ટ ઇન્ચાર્જે લેન્ડિંગ અને ટેક-ઓફ માટે સિંગલ રનવે નોર્થનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો.તેના પગલે સાઉથ રનવે બંધ કરી દેવાયો,પણ આ વાતની જાણ સાઉથ ટાવર કંટ્રોલરને ન કરાઈ.આના લીધે સાઉથ ટાવર કંટ્રોલરે કોલકાતા જતી ઇન્ડિગોની ફ્લાઇટને ટેકઓફ કરવા મંજૂરી આપી.આ જ સમયે નોર્થ ટાવર કંટ્રોલરે ફ્લાઇટને ભુવનેશ્વર જવા દેવા માટે મંજૂરી આપી.

ડીજીસીએના જણાવ્યા મુજબ બે જેટને એક જ દિશામાં એક સાથે ક્યારેય ઉડવા દેવાની મંજૂરી ન અપાય.બંને એરક્રાફ્ટ એકબીજા તરફ આગળ ધસ્યા હતા તે સમયે રાડાર કંટ્રોલરની સમયસૂચકતાના લીધે બંને એરક્રાફ્ટ હવામાં એકબીજા સાથે હવામાં અથડાતા-અથડાતા બચ્યા હતા.બેંગ્લુરુ-કોલકાતા ફ્લાઇટમાં ૧૭૬ પ્રવાસી અને છ ક્રુ હતા.જ્યારે બેંગ્લુરુ ભુવનેશ્વર ફ્લાઇટમાં ૨૩૮ પેસેન્જર અને છ ક્રુ હતા.આમ કુલ ૪૨૬ પ્રવાસીઓ હતા.

બંને એરક્રાફ્ટ ટેકઓફ કર્યા પછી એકબીજાની સામેની દિશામાં જ આગળ વધ્યા હતા.રાડાર કંટ્રોલરે જો તેમને સાબદા કર્યા ન હોત અને જુદી દિશામાં વાળ્યા ન હોત તો બંને વચ્ચે હવામાં અથડામણ નિશ્ચિત હતી.

Share Now