ટેસ્લા વધુ એક વિવાદમા : તેના પર વંશીય ભેદભાવનો આરોપ મૂકાયો

413

ટેસ્લા ગયા વર્ષે જ ભૂતપૂર્વ બ્લેક કર્મચારી સામે રંગભેદને લઈને દસ લાખ ડોલરનો દાવો હારી ચૂકી છે

કેલિફોર્નિયા : અગ્રણી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા ફરીથી વિવાદમાં સપડાઈ છે.આ વખતના વિવાદનું કારણ ઇલોન મસ્કની ટવીટ નથી, પરંતુ કંપનીની ભૂતપૂર્વ કર્મચારીએ કંપની સામે રંગભેદનો કરેલો કેસ છે.કંપનીની ભૂતપૂર્વ બ્લેક કર્મચારી કેલિન બાર્કરે જણાવ્યું છે કે તેની સામે કેલિફોર્નિયા સ્થિત પ્લાન્ટમાં રંગભેદી ટિપ્પણી કરવામાં આવી હતી અને ગ્રાઇન્ડિંગ ટૂલ વડે ઇજા પણ પહોંચાડી હતી.

તેના સુપરવાઇઝરને તેણે આ અંગે ફરિયાદ કરી તો તેની નોકરીમાંથી હકાલપટ્ટી કરવામાં આવી હતી.તેના લીધે તેણે જબરજસ્ત શારીરિક-માનસિક યાતનામાંથી પસાર થવું પડયું છે.

ટેસ્લા સામે આ પ્રકારનો આરોપ કંઈ પહેલી જ વખત લાગ્યો છે તેવું નથી.આ આરોપના લીધે વિશ્વની સૌથી પ્રભુત્વશાળી ઇલેક્ટ્રિક વાહન (ઇવી) ઉત્પાદક કંપનીની ઇમેજને મોટો ફટકો પડે તેમ માનવામાં આવે છે.અહેવાલ મુજબ કેલિન બાર્કર ભૂતપૂર્વ કોન્ટ્રાક્ટ વર્કર હતી,તેનું કામ લાથ્રોપ ખાતેના સબ-એસેમ્બલી પ્લાન્ટમાં બ્રેક પાર્ટ ચેક કરવાનું હતું.તેણે જણાવ્યું હતું કે નોકરી કરવા દરમિયાન તેણે વિવિધ પ્રકારના વંશીય ભેદભાવનો અને અપમાનનો સામનો કરવો પડયો હતો.

તેણે તેની ફરિયાદમાં વધુ જણાવ્યું હતું કે તેના વ્હાઇટ કો-વર્કર તેને હોટ ગ્રાઇન્ડર ટૂલથી ઇજા કરાઈ અને તેઓ તેના પર રંગભેદી ટિપ્પણી કરતા હતા.તેની સાથે ગે હોવાના લીધે તેની સાથે વંશીય ભેદભાવ પણ કરતા હતા.મને જાણે ટોર્ચર કરવામાં આવી રહ્યા હોવાનું હું અનુભવતી હતી.મને આફ્રિકન અમેરિકનોને નાગરિક અધિકાર ન હતા તે યુગમાં ધકેલી દેવામાં આવી હોય તેમ લાગતું હતું.આટલુ બધુ સહન કર્યા પછી પણ આંચકાજનક વાત એ હતી કે તેણે તેની તકલીફોની ફરિયાદ સુપરવાઇઝરને કરતા તેને આના પગલે 29મી ઓક્ટોબરના રોજ જોબમાંથી હાંકી કાઢવામાં આવી હતી.

આ નવી અરજીના લીધે ટેસ્લાની છાપને મોટો ફટકો પડી શકે છે.તેનું કારણ એ છે કે છેલ્લા કેટલાક સમયથી રંગભેદી ટિપ્પણીઓ અંગે ટેસ્લાની નિષ્ક્રીયતાની આમ પણ ટીકા થઈ રહી છે.ગયા વર્ષે મેમાં જ કંપનીના ભૂતપૂર્વ બ્લેક કર્મચારીએ આર્બિટ્રેશનમાં કંપની સામે ભેદભાવનો દસ લાખ ડોલરનો દાવો જીત્યો હતો, કારણ કે કંપની તેના સુપરવાઇઝરોને એન વર્ડ બોલતા રોકી શકી ન હતી.

ટેસ્લા ભૂતકાળમાં તેના એકમો ખાતે રંગભેદી ટિપ્પણી કે વર્તણૂક થતી હોવાનો ઇન્કાર કરી ચૂકી છે, પરંતુ બાર્કરના કિસ્સામાં તેણે હજી સુધી કોઈ નિવેદન જારી કર્યું નથી.

Share Now