– ભારતમાં બિટકોઇન, ઇથેરિયમ અને એનએફટીને લિગલ ટેન્ડર(ચલણ) તરીકે માન્યતા નથી : નાણાસચિવ સોમનાથન
નવી દિલ્હી : નવા નાણાકીય વર્ષમાં ઇન્કમ ટેક્સ રિટર્ન ફોર્મમાં ક્રિપ્ટો કરન્સીમાંથી થયેલી આવક અને ટેક્સની ચુકવણી કરવા માટે એક અલગ કોલમ હશે.તેમ મહેસૂલ સચિવતરુણ બજાજે એેક નિવેદનમાં જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે સરકાર એક એપ્રિલથી કિપ્ટો કરન્સીની આવક પર ૩૦ ટકા ટેક્સ, સેસ અને સરચાર્જ વસૂલ કરશે.બજાજના જણાવ્યા અનુસાર કરદાતાઓને આઇટીઆર ફોર્મમાં ક્રિપ્ટો માટે એક કોલમ દેખાશે.આ કોલમમાં ક્રિપ્ટો કરન્સીથી થયેલી આવકની વિગતો આપવાની રહેશે.
પત્રકારો સાથેની વાતચીતમાં બજાજે જણાવ્યું હતું કે ક્રિપ્ટો કરન્સીમાંથી થતી આવક હંશા કરપાત્ર હોય છે અને બજેટમાં જે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે તે કોઇ નવો ટેક્સ નથી પણ તે આ મુદ્દે સ્પષ્ટતા અને નિશ્ચિતતા આપે છે.અમે ટેક્સમાં સરળતા, સ્પષ્ટતા અને નિશ્ચિતતા લાવવા માગીએ છીએ.
હવે આ આવક પર ૩૦ ટકા ટેક્સ ચુકવવો પડશે અને જેની માહિતી રોકાણકારોએ આઇટીઆર ફોર્મમાં આપવી પડશે.ઉલ્લેખનીય છે કે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ના બજેટમાં ક્રિપ્ટો કરન્સી અને અન્ય ડિજિટલ સંપત્તિની લેવડ દેવડ પર થનારી આવક પર ૩૦ ટકા ટેકસ નાખવામાં આવ્યો છે.
એક વર્ષ દરમિયાન ૧૦,૦૦૦ રૂપિયાથી વધુની ચુકવણી વર્ચ્યુઅલ કરન્સી માટે કરવામાં આવશે તો ૧ટ કા ટીડીએસ ચુકવવો પડશે.નિર્મલા સિતારમને જણાવ્યું છે કે હાલમા ક્રિપ્ટો કરન્સી અંગે કાયદા બનાવવા અંગે ચર્ચા વિચારણા ચાલુ છે.
નાણા સચિવ ટીવી સોમનાથને જણાવ્યું હતું કે જેવી રીતે જુગારમાં જીતેલા નાણા પર ટેક્સ લાગે છે તેવી જ રીતે ક્રિપ્ટો કરન્સીના વેચાણથી થતી આવક પર ટેક્સ લાગશે.
સોમનાથને વધુમાં જણાવ્યું હતું તે બિટકોઇન,ઇથેરિયમ અને એનએફટી(નોન ફન્જિબલ ટોકન)ને ભારતમાં લિગલ ટેન્ડર એટલે કે ચલણ તરીકે માન્યતા આપવામાં આવી નથી.