5 જણને ઠાર કરવાના 23 વર્ષ જૂના કેસમાં અંડરવર્લ્ડ ડોન છોટા રાજન દોષમુક્ત

311

– પુરાવાના અભાવે વિશેષ જજે છોડી મૂક્યો

મુંબઇ : ગેન્ગસ્ટર છોટા રાજનને ૨૩ વર્ષ પૂર્વેના હત્યાના કેસમાં વિશેષ કોર્ટે દોષમુક્ત કર્યો છે.બાંદરામાં પહેલી માર્ચ ૧૯૯૯ના રોજ પાંચ જણ પર ગોળીબાર કરીને ઠાર કરાયા હતા.મૃતકોમાં એમ.ડી. બિલ્ડર્સના માલિક માજીદ ખાન,દાઉદના નિકટવર્તીના ભાઇ યાકુબ ખાન ઉર્ફે યેડા યાકૂબનો સમાવેશ થતો હતો.આ લોકો સામે ૧૯૯૩ના બોમ્બ ધડાકામાં સંડોવણી હોવાનો ગુનો નોંધાયો હતો.વિશેષ જજ એ.ટી. વાનખેડેએ રાજનની અરજી માન્ય કરીને હત્યા અને મકોકા કાયદા હેઠળના તમામ આરોપમાંથી મુક્ત કર્યો હતો.તેની સામે કેસ ચલાવવા કોઇ પુરાવો મળ્યો નહોવાનું નોંધ્યું હતું.

ગેન્ગસ્ટરને ઇન્ડોનેશિયાથી ૨૦૧૫માં પ્રત્યાર્પિત કરીને ભારત લાવાયા બાદ મુંબઇ પોલીસ પાસેથી સીબીઆઇને સોંપાયેલા ૫૦ કેસમાંનો આ એક કેસ છે.હાલ ૨૦૧૧માં પત્રકાર જે.ડેની હત્યાના કેસમાં રાજન દિલ્હીની તિહાર જેલમાં આજીવનકેદ ભોગવી રહ્યો છે.બાંદરા (પશ્ચિમ)માં પહેલી માર્ચ ૧૯૯૯ના રોજ હોટલ પાસે ગોળીબાર થયો હતો જેમાં પાંચ જણના મોત થયા હતા જેમાં ખાન પણ સામેલ હતો.અજય મોહિતે નામની વ્યક્તિની ધરપકડ થઇ હતી.એ વખતે એવો દાવો કરાયો હતો કે રાજનના કહેવાથી આ હત્યા કરાઇ હતી.મોહિતને ૨૦૦૪માં કોર્ટે પુરાવાના અભાવે છોડી મૂક્યો હતો.

રાજને મુક્તિ માટેની અરજીમાં દાવો કર્યો હતો કે રાજનના કોઇ કોલ રેકોર્ડ કે વોઇસ સેમ્પલ દર્શાવતા નથી કે તે આ કેસ સાથે સંકળાયેલો છે.એ વખતે રાજન ફરાર હોવાથી તેને આ કેસમાં આરોપી દર્શાવાયો છે.રાજન સામે કેસ ચલાવવા મકોકા કાયદા હેઠળ કોઇ મંજૂરી લેવાઇ નથી. ૨૦૧૮માં ૩૫ વર્ષ અગાઉના હત્યા કેસમાં તેને મુક્ત કરાયો હતો.

Share Now