યુરોપના આ દેશમાં પણ કર્મચારીઓને હવે વીકમાં ચાર જ દિવસ કામ કરવુ પડશે

288

નવી દિલ્હી,તા.17.ફેબ્રુઆરી.2022 : યુએઈ બાદ હવે વધુ એક દેશમાં કર્મચારીઓને સપ્તાહમાં ચાર જ દિવસ કામ કરવાનુ રહેશે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે યુરોપિયન દેશ બેલ્જિયમ પોતાના કાયદામાં ફેરફાર કરવા જઈ રહ્યો છે.જેના હેઠળ કર્મચારીઓને વીકમાં ત્રણ રજા મળશે.

કોરોનાની મહામારી બાદ દેશની ઈકોનોમી સુધારવા માટે તેમજ લોકોના જીવન ધોરણને બહેતર બનાવવા માટે બેલ્જિયમની સરાકર આ પ્રકારનો ફેરફાર કરવા જઈ રહી છે.બેલ્જિયમના પીએમ એલેક્ઝાન્ડર ક્રુનુ કહેવુ છે કે,કોરોનાના કારણે વધારે ફ્લેક્સિબલ રીતે કામ કરવા માટે આપણે મજબૂર બન્યા છે.લેબર માર્કેટને પણ આ જ રીતે કામ કરવુ પડશે.

તેમણે કહ્યુ હતુ કે,નવા કાયદામાં કામના કલાકો બાદ ઓફિસમાંથી જો ફોન આવે તો તેની ઉપેક્ષા કરવા માટે કર્મચારીઓને મંજૂરી મળશે.કામના કલાકો બાદ બોસના ફોનથી ડરવાની જરુર નહીં પડે.

નવા કાયદા હેઠળ ચાર દિવસમાં 38 કલાક કામ કરવાનુ રહેશે.તેમના પગાર પર નવા કાયદાની અર નહીં થાય.કર્મચારી ઈચ્છે તો બોસની મંજુરી લઈને એક સપ્તાહ દરમિયાન વધારે કામ કરી શકશે અને બીજા સપ્તાહ દરમિયાન તે એટલુ કામ કરી શકશે.

જોકે સરકાર આ કાયદાને લાગુ કરતા પહેલા કર્મચારી સંગઠનોની સલાહ લેશે.એવી આશા રખાઈ રહી છે કે,આ કાયદો આ વર્ષે જ જુન કે જુલાઈ મહિનામાં લાગુ કરી દેવાશે.

ઉલ્લેખનીય છે કે,યુએઈ ત્રણ દિવસનો વીક એન્ડ લાગુ કરનાર પહેલો દેશ બન્યો છે.અહીંયા શુક્રવારે બપોરથી શરુ કરીને રવિવાર સુધી રજાની જાહેરાત કરાઈ છે.

Share Now