હિજાબ વિરૂદ્ધ પોસ્ટ લખનારા બજરંગ દળના કાર્યકરની શિવમોગા ખાતે હત્યા, કલમ 144 લાગુ

541

નવી દિલ્હી, તા. 21 ફેબ્રુઆરી, 2022, સોમવાર : હિજાબને લઈને ચાલું થયેલો વિવાદ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો અને હવે સ્થિતિ હિંસા સુધી પહોંચી ગઈ છે.કર્ણાટકના શિવમોગા ખાતે એક 23 વર્ષના યુવકની હત્યા કરી દેવામાં આવી છે.ત્યારબાદ ત્યાં તણાવની સ્થિતિ સર્જાઈ છે અને કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.મળતી માહિતી પ્રમાણે યુવકનું નામ હર્ષ હતું અને તે બજરંગ દળનો કાર્યકર હતો. રાજ્યના ગૃહમંત્રી અરાગા જનેન્દ્રએ જિલ્લાની સ્કૂલો અને કોલેજોને આગામી 2 દિવસ સુધી બંધ કરવાનો આદેશ આપ્યો છે.

તેમણે જણાવ્યું હતું કે,4થી 5 યુવકોએ હર્ષની હત્યા કરી છે.અત્યાર સુધી આ ઘટના પાછળ કોઈ સંગઠનનું નામ સામે નથી આવ્યું.હાલમાં શિવમોગા જિલ્લામાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ કંટ્રોલમાં છે.જોકે, કેટલાક લોકોએ આ ઘટનાના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું.જિલ્લાના સિગેહટ્ટી વિસ્તારમાં કેટલાક લોકોએ કેટલાક વાહનોમાં આગ ચાંપી દીધી હતી જેને કાબૂમાં લેવામાં આવી હતી.આ ઘટનાને કારણે રાજકીય ગરમાવો વધી ગયો છે જે હિજાબ વિવાદને કારણે પહેલેથી જ હતો.

યુવકે હિજાબના વિરોધમાં લખી હતી સોશિયલ મીડિયા પોસ્ટ

પોલીસના જણાવ્યા પ્રમાણે રવિવારે રાત્રે લગભગ 9:00 વાગ્યે ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી હતી.ત્યારબાદ તણાવ વધી ગયો હતો.શિવમોગા શહેરના કેટલાક વિસ્તારમાં ઉપદ્રવ થયો અને ગાડીઓમાં આગ ચાંપી દેવામાં આવી હતી.પોલીસ આ કેસને હિજાબ વિવાદથી જોડીને જોઈ રહી છે એનું કારણ એ છે કે,યુવકે થોડા દિવસ અગાઉ જ ફેસબુક પર તેને સબંધિત એક પોસ્ટ લખી હતી. આ પોસ્ટમાં તેમણે હિજાબનો વિરોધ કર્યો હતો અને ભગવા ગમછાનું સમર્થન કર્યું હતું.જોકે,પોલીસે આ કેસમાં કોઈ નિવેદન નથી આપ્યું.

Share Now