સુરેન્દ્રનગર જિલ્લાના ચાર વિદ્યાર્થી યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાઇ જતા ચિંતા

170

– યુક્રેન પર રશિયાના હુમલાથી ઝાલાવાડ પંથકમાં ઘેરા પ્રત્યાઘાત

– એક વિદ્યાર્થિની સહિત ચારેય કીવ શહેરમાં અટવાયા : પરિવારજનોમાં ભારે ઉચાટ વ્યાપ્યો

યુક્રેન ઉપર રશિયાના સૈન્યહુમલાથી ઝાલાવાડ પંથકમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે.એક વિદ્યાર્થિની સહિત સુરેન્દ્રનગરનાં ચાર વિદ્યાર્થી યુક્રેનમાં ફસાઇ ગયા હોવાની વિગતો સામે આવતાં સમગ્ર પંથકમાં ચિંતાના વાદળો ઘેરાઇ ગયા છે.આવા વિપરિત સંજોગો ઉભા થતાં વિદ્યાર્થીઓના પરિવારજનોને સગા-સંબંધીઓ દ્વારા હુંફ અને સાંત્વના આપવા પ્રયાસો થઇ રહ્યાં છે.જો કે જિલ્લા પ્રસાશન દ્વારા યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને સલામત પરત લાવવા માટેની દિશામાં પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.

રશિયાએ ભારતીય સમય અનુસાર ગુરૂવારે વહેલી સવારે યુક્રેન ઉપર હુમલો કરતા અનેક ભારતીય વિદ્યાર્થીઓ ફસાઇ ગયા હોવાના અહેવાલ સામે આવ્યા છે.જેમાં ઝાલાવાડ પંથકના ચાર વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાઇ જતાં સુરેન્દ્રનગરમાં ચિંતાના વાદળો છવાઇ ગયા છે.સ્થાનિક સરકારી તંત્રના સતાવાર રીતે જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર,રતનપર અને જોરાવરનગરનાં ચાર વિદ્યાર્થી યુક્રેનમાં ફસાયા છે.જેમાં જોરાવરનગર ખાતે રહેતા મહાવીરસિંહ કિરીટસિંહ પરમાર યુક્રેનના ચર્નિવીસ્ટી સીઝખાતે એમ.બી.બી.એસ.નો અભ્યાસ કરવા ગયા છે,રતનપરનાં સેરસીયા રોનક દિલીપભાઈ,જોરાવરનગરનો દેવ પ્રેમલભાઈ અને સુરેન્દ્રનગરની ડેડાસણીયા મીતલ ચંદ્રેશભાઈ નામની વિદ્યાર્ર્થિની પણ યુક્રેનમાં ફસાઇ છે.આ વિદ્યાર્થીઓ એમ.બી.બી.એસ અને ઉચ્ચ અભ્યાસ માટે યુક્રેન ગયા હતાં.આ ચારેય વિદ્યાર્થીઓ કિવ શહેમાં ફસાયા હોવાનું જાણવા મળે છે.

સુરેન્દ્રનગર જિલ્લા પ્રસાશન દ્વારા આ વિદ્યાર્થીઓ સલામત પરત આવે તે દિશામાં પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.જિલ્લા કલેકટરે આ અંગે જણાવ્યુ કે,યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓની વિગત મેળવી અમે ગાંધીનગર રાજ્ય સરકારને મોકલી આપી છે.રાજ્ય સરકાર દ્વારા આ વિગત કેન્દ્ર સરકારને મોકલવામાં આવી છે.જિલ્લા પોલીસતંત્ર દ્વારા પણ આ વિદ્યાર્થીઓના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

યુક્રેનમાં અટવાયેલાઓ માટે સુરેન્દ્રનગર ખાતે કન્ટ્રોલ રૂમ

સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરની યાદીમાં જણાવ્યા પ્રમાણે યુક્રેન અને રશિયા વચ્ચે યુધ્ધ જેવી પરિસ્થિતિ સર્જાઇ છે,તેને ધ્યાને લેતા યુક્રેનમાં અભ્યાસ અર્થે અન્ય કામગીરી સબબ ગયલા સુરેન્દ્રનગર જિલ્લાના વ્યકિતઓ પરત આવવા માંગતા હોય અથવા તેઓ અન્ય વિપરિત પરિસિથતીમાં ફસાયેલા હોય તેવા વ્યકિતઓની વિગત જિલ્લા કલેકટર કચેરીનાં કંટ્રોલ રૂમના ટેલીફોન નંબર (૦૨૭૫૨) ૨૮૩૪૦૦, ૨૮૫૩૦૦,૨૮૪૩૦૦ ઉપર સંપર્ક સાધી પોતાના નામ સરનામા અને મોબાઈલ નંબર સાથેની વિગતો આપવા જણાવાયુ છે.

હતાશ વિદ્યાર્થીઓ એરપોર્ટથી પરત હોસ્ટેલ પહોંચ્યા

જોરાવરનગરના જૈન અગ્રણી ડો.આર.બી.શાહના પૌત્ર દેવ શાહ પણ યુક્નેનમાં ફસાયેલા છે.તેમનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે,અમારે દેવ સાથે છેલ્લે બપોરે ૩ વાગ્યે વાતચીત થઈ હતી.તેઓ ભારત પરત આવવાના હતા પરંતુ યુક્રેન સ્થિત ઈન્ડીયન સ્ટુડન્ડ એસોસિએશનની મદદથી બસમાં બધા વિદ્યાર્થીઓ સાથે તે પોતાની હોસ્ટેલ પરત જાય છે.તેમણે સરકાર દ્વારા તમામ વિદ્યાર્થીઓને.સલામત પરત લાવવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી લાગણી વ્યકત કરી હતી.

એરપોર્ટ પહોંચ્યા અને યુદ્ધ ફાટી નિકળતા ફ્લાઇટ કેન્સલ થઇ

રશિયા અને યુક્રેન વચ્ચે ગમે ત્યારે યુધ્ધ થાય તેવી સંભાવના બાદ સ્થિતિ બદલાતાની સાથે સુરેન્દ્રનગરના આ ચારેય વિદ્યાર્થીઓ સહિત ૨૦ જેટલા વિદ્યાર્થીઓ યુક્રેન છોડી ભારત આવવા એરપોર્ટ ઉપર પહોંચ્યા હતા.સવારેં ૯ઃ૧૦ વાગ્યાનું પ્લેન હતુ,પરંતુ રશિયાની સેના દ્વારા અચાનક હુમલો કરવામાં આવતાં યુક્રેન સતાવાળાઓએ વિદ્યાર્થીઓને સલામતીના ભાગરૂપે એરપોર્ટમાંથી બહાર મોકલી દીધા હતા.બાદમાં તેઓ મેટ્રો સ્ટેશન પર ફસાયા હોવાનું જાણવા મળે છે.

Share Now