દુનિયાના ૨૮ દેશોએ રશિયાની એરલાઇન્સ પર પ્રતિબંધ મૂક્યો

454

નવી દિલ્હી, તા. ૨૮ : યુરોપ અને કેનેડાએ જણાવ્યું છે કે રશિયાના યુક્રેન પરના હુમલા પછી અમે રશિયન એરલાઇન્સ માટે અમારા એરસ્પેસ બંધ કરી દીધા છે.તેમણે જણાવ્યું હતું કે તેઓ અમેરિકા પર દબાણ વધારી રહ્યાં છે કે તે પણ રશિયન એરલાઇન્સ માટે પોતાના એરસ્પેસ બંધ કરે.

યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લિયને જણાવ્યું છે કે અમે રશિયનો માટે યુરોપિયન યુનિયનના એરસ્પેસ બંધ કરી રહ્યાં છીએ.

કેનેડાના ટ્રાન્સપોર્ટ પ્રધાન ઓમર અલઘાબરાએ જણાવ્યું છે કે પાડોશી દેશ પર હુમલા કરવા બદલ અમે રશિયન એરલાઇન્સ માટે અમારા એરસ્પસેસ બંધ કરી દીધા છે.

કેનેડા ઉપરાંત યુરોપિયન યુનિયનના તમામ ૨૭ સભ્ય દેશોએ પણ તેમના એરસ્પેસ રશિયન એરલાઇન્સ માટે બંધ કરી દીધા છે.યુરોપિયન યુનિયનમાં ઓસ્ટ્રિયા,બેલ્જિયમ,બુલ્ગારિયા,ક્રોએશિયા,સાયપ્રસ,ચેક રિપબ્લિક,ડેનમાર્ક,ઇસ્ટોનિયા,ફિનલેન્ડ,ફ્રાન્સ,જર્મની,ગ્રીસ,હંગેરી,આયરલેન્ડ,ઇટાલી,લાતવિયા,લિથુઆનિયા,લક્સમબર્ગ,માલ્ટા,નેધરલેન્ડ,પોલેન્ડ,પોર્ટુગલ,રોમાનિયા,સ્લોવાકિયા, સ્લોવેનિયા,સ્પેન અને સ્વીડનનો સંમાવશ થાય છે.

યુરોપિયન યુનિયન અને કેનેડા ઉપરાંત યુકેએ પણ રશિયન એરલાઇન્સ કંપની એરોફલોટ ને પોતાનું એરસ્પેસનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.તેના જવાબમાં રશિયાએ પણ બ્રિટિશ એરલાઇન્સને પ્રતિબંધિત કરી દીધી છે.

Share Now