દેશમાં કોરોનાના નવા 6915 કેસ : બે મહિના પછી એક્ટિવ કેસ 1 લાખથી ઓછા

393

– વધુ 180 મોત સાથે કુલ મૃત્યુઆંક 5,14,023
– દિલ્હીમાં બે મહિના પછી ખૂલેલા ઝૂની તમામ 4000 ટિકીટો રાતોરાત વેચાઇ ગઇ

નવી દિલ્હી : દેશમાં કોરોનાના નવા 6915 કેસો સામે આવતા દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને 4,29,31,045 થઇ ગઇ છે.જ્યારે બીજી તરફ દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 92,472 થઇ ગઇ છે તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે.

બે મહિના પછી એક્ટિવ કેસોની સંખ્યા 1 લાખથી ઓછી નોંધવામાં આવી છે. આ દરમિયાન દિલ્હીમાં બે મહિના પછી પ્રાણી સંગ્રહાલય ખોલવામાં આવતા તેની તમામ 4000 ટિકિટો રાતોરાત વેચાઇ ગઇ હતી. કોરોનાની ત્રીજી લહેરને પગલે ચાર જાન્યુઆરીના રોજ દિલ્હીમાં પ્રાણી સંગ્રહાલય બંધ કરી દેવામાં આવ્યું હતું.

સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર સવારે 8.30 વાગ્યા સુધીમાં તમામ ટીકીટો વેચાઇ ગઇ હતી.છેલ્લા 24 કલાકમાં વધુ 180 લોકોના મોત નોંધાતા દેશમાં અત્યાર સુધી કોરોનાનો કુલ મૃત્યુઆંક વધીને 5,14,0223 થઇ ગયો છે.

છેલ્લા 24 કલાકમાં કોરોનાના એક્ટિવ કેસોમાં 10,123નો ઘટાડો થયો હતો.દેશમાં કોરોના વેક્સિનના અપાયેલા ડોઝની સંખ્યા 177.70 કરોડ થઇ ગઇ છે.છેલ્લા 24 કલાકમાં નોંધવામાં આવેલા 180 મોત પૈકી 110 મોત કેરળમાં નોંધવામાં આવ્યા છે.

દેશમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 5,14,023 લોકોના મોત થયા છે.જે પૈકી 1,43,701મોત મહારાષ્ટ્રમાં, 65,333 મોત કેરળમાં ,39,950 મોત કર્ણાટકમાં, 38,004 મોત તમિલનાડુમાં થયા છે. દિલ્હીમાં 26,122, ઉત્તર પ્રદેશમાં 23,456 અને પશ્ચિમ બંગાળમાં 21,176 લોકોનાં મોત થયા છે.

Share Now