કોરોનાએ ડ્રેગનને ફરી ડરાવ્યો, છેલ્લા બે વર્ષમાં સૌથી વધુ દૈનિક કેસ

365

નવી દિલ્હી, તા. 07 માર્ચ, 2022, સોમવાર : ચીનમાં કોરોના વાયરસનું સંક્રમણ એકવાર ફરીથી ઝડપથી ફેલાય રહ્યું છે.મહામારીની શરૂઆતમાં વુહાનના પ્રકોપ બાદ છેલ્લા 24 કલાકમાં ત્યાં સૌથી વધારે કેસ નોંધાયા છે.નેશનલ હેલ્થ કમિશનના ડેટા પ્રમાણે રવિવારે ચીનમાં કોરોનાના સ્થાનિક રીતે 214 સંક્રમિત કેસોની ઓળખ કરવામાં આવી હતી.ચીનમાં સ્થાનિક સ્તર પર નોંધાયેલા સંક્રમિત કેસો અને મેનલેન્ડની બહારથી આવતા કેસોની અલગ-અલગ ગણતરી કરવાની શરૂઆત માર્ચ 2020માં થઈ હતી.આ રીતે એક દિવસમાં સ્થાનિક રીતે નોંધાયેલા સંક્રમિતોની આ સૌથી મોટી સંખ્યા છે.

ચીનમાં તાજેતરમાં મળી આવેલા વાયરસના સ્થાનિક કેસો વૈશ્વિક ધોરણોથી ઘણા ઓછા છે.ચીની સરકાર હાલમાં ડાયનામિક ક્લિયરિંગ પોલિસી પર કામ કરી રહી છે.આ હેઠળ સ્થાનિક અધિકારીઓને દરેક સંક્રમિતો અને તેમના નજીકના સંપર્કો વિશે ઝડપથી માહિતી પ્રાપ્ત કરવાનું કામ સોંપવામાં આવ્યું છે.તેની સાથે જ આ લોકોની યાત્રા પર પણ પૂરી રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ગુઆંગડોંગ,જિલિન અને શેનડોંગમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે

રવિવારના 214 સ્થાનિક કેસોમાંથી મોટાભાગના ગુઆંગડોંગ, જિલિન અને શેનડોંગ પ્રાંતમાંથી નોંધાયા હતા.છેલ્લા દિવસોમાં સ્થાનિક ટ્રાન્સમિટેડ એસિમ્પ્ટોમેટિક 312 કેસ નોંધાયા હતા.માર્ચ 2020 પછીનો આ સૌથી મોટો આંકડો છે.જોકે, 24 કલાકમાં કોઈ નવું મૃત્યું નથી થયું જેના કારણે મૃત્યુઆંક 4,636 રહ્યો છે.ચીનમાં અત્યાર સુધીમાં કોરોનાના 1,11,195 કેસ નોંધાયા છે જેમાં લોકલ અને મેનલેન્ડની બહારથી આવનારા પણ સામેલ છે.

Share Now