નવી દિલ્હી, તા. 17 માર્ચ 2022, ગુરૂવાર : કિશોર બિયાનીની અધ્યક્ષતાવાળા ફ્યુચર રિટેલ લિ. (FRL)એ બુધવારે જણાવ્યું કે,તે રિલાયન્સ રિટેલ પાસેથી પોતાના સ્ટોર પરત લેવા માટે પ્રતિબદ્ધ છે અને જરૂરિયાત પ્રમાણે મૂલ્ય સમાયોજન (price adjustment)ને લઈ તમામ આવશ્યક કાર્યવાહી કરશે.
કંપનીએ એમ પણ જણાવ્યું કે,રિલાયન્સ સમૂહ દ્વારા તેમની દુકાનોનું અધિગ્રહણ તેમના માટે અચંબિત કરનારૂં પગલું છે.
FRLએ શેર માર્કેટને આપેલી સૂચનામાં જણાવ્યું કે,તેમની દુકાનોને કબજામાં લેવાના પગલાએ ભારતીય પ્રતિસ્પર્ધા આયોગના ડિસેમ્બર 2021ના આદેશ બાદ બનેલા સકારાત્મક પરિદૃશ્યને જટિલ બનાવ્યું છે.
કંપનીએ જણાવ્યું કે, FRL અને તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ રિલાયન્સ સમૂહ દ્વારા મૂલ્ય સમાયોજન અને અધિગ્રહીત કરવામાં આવેલી દુકાનોને પરત લેવા માટે તમામ આવશ્યક કાર્યવાહી કરવા પ્રતિબદ્ધ છે. FRL અને તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એક વ્યવહારિક સમાધાન પર પહોંચવા માટે પગલા ભરી રહ્યા છે જે તમામ સંબંધીત પક્ષોના હિતમાં હશે.
ઉલ્લેખનીય છે કે,રિલાયન્સ રિટેલે ફેબ્રુઆરીની શરૂઆતમાં FRLની ઓછામાં ઓછી 300 દુકાનોના પરિચાલનને પોતાના નિયંત્રણમાં લીધું હતું અને તેના કર્મચારીઓને નોકરીની ઓફર કરી હતી.બિયાની સમૂહના દુકાન માલિકોને ભાડાની ચુકવણી ન કર્યા બાદ રિલાયન્સ રિટેલે આ પગલું ભર્યું હતું.
FRLના કહેવા પ્રમાણે કંપની અને તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે રિલાયન્સ સમૂહના આ પગલા પર ભારે વિરોધ નોંધાવ્યો હતો અને રિલાયન્સ સમૂહને નોટિસ આપીને પાછલા કેટલાક દિવસોમાં તેમના દ્વારા ભરવામાં આવેલા પગલાઓ પર પુનર્વિચાર કરવા કહ્યું હતું.
કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે રિલાયન્સ સમૂહને એમ પણ સૂચિત કર્યું કે,માળખાગત ઢાંચા,માલ ભંડાર વગેરે સહિત FRL સંબંધીત સંપત્તિઓ આ દુકાનોની અંદર પડી છે તેને FRLના કર્જદાતાઓના પક્ષમાં સુરક્ષિત રાખવામાં આવે.
તેમણે જણાવ્યું કે,બોર્ડ ઓફ ડિરેક્ટર્સે રિલાયન્સ સમૂહને એ સુનિશ્ચિત કરવા જણાવ્યું છે કે,સુરક્ષિત સંપત્તિઓનો કબજો હસ્તાંતરિત ન કરવામાં આવે અને કર્જદાતાઓના લાભ માટે તેને સુરક્ષિત રાખવામાં આવે.
FRLએ એમ પણ જણાવ્યું કે,અનેક મીડિયા રિપોર્ટ અને એમેઝોનની સાર્વજનિક નોટિસમાં ખોટી જાણકારી આપવામાં આવી છે કે કંપનીએ પોતાની છૂટક સંપત્તિઓ રિલાયન્સને સોંપી દીધી છે અને આ મધ્યસ્થતા ન્યાયાધિકરણ એસઆઈએસી (સિંગાપુર આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા કેન્દ્ર) અને ઉચ્ચતમ ન્યાયાલયના આદેશોની વિરૂદ્ધ છે.
ઉલ્લેખનીય છે કે,મંગળવારે એમેઝોને સમાચારપત્રોમાં એક સાર્વજનિક નોટિસમાં આરોપ લગાવ્યો હતો કે, FRL અને તેના પ્રમોટર્સે છાનામાના તથા ખોટી રીતે પોતાની દુકાનો રિલાયન્સને સોંપીને ભારતની અદાલતો અને સિંગાપુરના મધ્યસ્થતા કેન્દ્ર સાથે છેતરપિંડી કરી છે.