આમિરખાને આલિયા ભટ્ટ, જુનિયર એનટીઆર અને રામચરણની સાથે ‘RRR’ના ગીત પર કર્યો ડાન્સ

388

નવી દિલ્હી, તા. 21 માર્ચ 2022, સોમવાર : ગઈ રાતે ફિલ્મ ‘RRR’ની ટીમ પ્રમોશન માટે દિલ્હી પહોંચી હતી.તે દરમિયાન આલિયા ભટ્ટ,જુનિયર એનટીઆર અને રામ ચરણ સાથે ડિરેક્ટર એસએસ રાજામૌલી અને આમિર ખાન પણ જોવા મળ્યા હતા.આ આખી સ્ટારકાસ્ટનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે જેમાં આમિરખાન જુનિયર એનટીઆર અને રામ ચરણ સમક્ષ ઘૂંટણિયે પડેલા નજર આવ્યા હતા.

આ વાયરલ વીડિયો બોલિવૂડના પ્રખ્યાત સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાનીએ તેમના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે.આ ક્લિપમાં એનટીઆર અને રામ ચરણ આમિર ખાનને તેમના પ્રખ્યાત ગીત ‘નાચો નાચો’ના હૂક-સ્ટેપ્સ શીખવતા નજર આવ્યા હતા.જોકે,સ્ટેપ જોઈને આમિર ખાન ઘૂંટણિયે પડી ગયા હતા અને માઈક પર બોલ્યા કે,‘મેરે સે નહીં હોગા’.

આમિરની વાત સાંભળ્યા બાદ આલિયા ભટ્ટે કહ્યું કે,સ્ટેપ્સ સરળ છે મેં પણ કર્યા છે.ત્યારબાદ રામચરણ અને એનટીઆર આમિર ખાનને સ્ટેપ્સ શીખવે છે અને આમિરખાન પણ સ્ટેપ્સ સારી રીતે કરવાનો પ્રયત્ન કરે છે.આ વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.ચાહકો આ વીડિયોને લાઈક કરીને પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે,‘RRR’ ફિલ્મ વિજયેન્દ્ર પ્રસાદ દ્વારા લખવામાં આવી છે.એસએસ રાજામૌલી દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘RRR’નું બજેટ 400 કરોડ છે.આ ફિલ્મ 25 માર્ચ 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.ચાહકો ફિલ્મ જોવા માટે ખૂબ જ આતુર છે અને તેની રિલીઝ પહેલા જ ફિલ્મ માટે તેમનો ક્રેઝ જોવા મળી રહ્યો છે.

Share Now