સરકારો દ્વારા જજોની બદનામી દુર્ભાગ્યપૂર્ણ પ્રવૃત્તિ : CJI

286

– સરકારોના વલણથી મુખ્ય ન્યાયાધીશ હતાશ
– છત્તિસગઢમાં પૂર્વ આઈએએસ અધિકારીના કેસની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટની આકરી ટકોર

નવી દિલ્હી, તા. ૮ : દેશના મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમણે શુક્રવારે સરકારો દ્વારા ન્યાયતંત્રને બદનામ કરવાની પ્રવૃત્તિની ટીકા કરી.તેમણે કહ્યું કે જજો પર આરોપ લગાવવાનો પ્રયાસ અગાઉ માત્ર ખાનગી પાર્ટીઓ દ્વારા કરાતો હતો,પરંતુ હવે સરકારો પણ તેમાં જોડાઈ ગઈ છે.આ બાબત દુર્ભાગ્યપૂર્ણ છે.

મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, આ એક નવું ચલણ શરૂ થયું છે,જ્યાં સરકાર જજોને બદનામ કરી રહી છે.અમે અદાલતોમાં પણ આ જોઈ રહ્યા છીએ.પહેલા માત્ર ખાનગી પક્ષો જ આમ કરતા હતા, પરંતુ અમે હવે રોજ આ સ્થિતિ જોઈ રહ્યા છીએ.મુખ્ય ન્યાયાધીશના અધ્યક્ષતાપદની બેન્ચ છત્તીસગઢ સરકાર અને એક વ્યક્તિ દ્વારા દાખલ બે અલગ અરજીઓની સુનાવણી કરતી વખતે આ આકરી ટીપ્પણી કરી હતી.ભૂતપૂર્વ આઈએએસ અધિકારીની આવકના સ્રોત કરતાં વધુ આવક અંગેના કેસમાં તેમના વિરુદ્ધ દાખલ એફઆઈઆર રદ કરવાના છત્તિસગઢ હાઈકોર્ટના ચૂકાદાને પડકારતા આ અરજીઓ દાખલ કરાઈ હતી.

બેન્ચમાં સામેલ ન્યાયમૂર્તિ કૃષ્ણ મુરારી અને ન્યાયમૂર્તિ હિમા કોહલીએ આ કેસમાં ન્યાયતંત્ર વિરુદ્ધ કેટલાક આક્ષેપ કરાતા નારાજગી વ્યક્ત કરી હતી.મુખ્ય ન્યાયાધીશ રમણે કહ્યું કે, તમે ગમે તે લડાઈ લડો, તે યોગ્ય છે.પરંતુ કોર્ટની છબી ખરાબ ના કરો.ભ્રષ્ટાચાર વિરોધી સક્રિયતાવાદી ઉચિત શર્મા તરફથી એક અન્ય વરિષ્ઠ વકીલ સિદ્ધાર્થ દેવે હાઈકોર્ટ દ્વારા એક ચુકાદામાં ‘સંભાવનાઓના’ આધારે એફઆઈઆર રદ કરવાની આકરી ટીકા કરી હતી.

Share Now