દાઉદ ગેંગ સાથે આર્થિક વ્યવહારોને કેસમાં EDનો સપાટો : નવાબ મલિક પર ભીંસ વધી, પાંચ ફ્લેટ સહિત વધુ આઠ પ્રોપર્ટી જપ્ત

172

મુંબઇ : દાઉદ ગેંગ સાથે આર્થિ વ્યવહારોના આરોપી રાજ્યના પ્રધાન તથા એનસીપીના નેતા નવાબ મલિકની વધુ આઠ પ્રોપર્ટી અએન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા જપ્ત કરવામાં આવી છે.આ પ્રોપર્ટી કુર્લા,બાંદરા,ઉસ્માનાબાદમાં છે.ઇડીએ મલિક સામે આકરી કાર્યવાહી આગળ વધારીને મહાવિકાસ આઘાડી સરકારને ફરી જોરદાર આંચકો આપ્યો છે.

કુર્લા-બાન્દ્રાના પાંચ ફ્લેટ, કોમર્શિઅલ પ્રોપર્ટી તથા ઉસ્માનાબાદમાં ૧૪૮ એકર જમીન સહિત કરોડોની પ્રોપર્ટી ટાંચમાં

ડી- ગેન્ગ સાથે મળીને આર્થિક ગેરરીતિ આચરવાના કેસમાં ઇડીએ કલાકોની પૂછપરછ બાદ ગત ૨૩ ફેબુ્રઆરીના નવાબ મલિકની ધરપકડ કરી હતી.તે સમયે એનસીપીના કાર્યકર્તાઓએ મલિકની ધરપકડનો વિરોધ કરી આક્રમક બન્યા હતા તેમણે ઘોષણાબાજી કરી હતી.રાજકીય દુશ્મનાવટને લીધે મલિક સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનો આરોપ એનસીપી,કોંગ્રેસ,શિવસેનાના નેતાઓએ કર્યો હતો.હાલમાં નવાબ મલિક જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા નવાબ મલિક સંબંધિત કુર્લા (પશ્ચિમ) સ્થિત વ્યાવસાયિક જગ્યા,ત્રણ ફ્લેટ,કુર્લાના ગોવાવાલા કમ્પાઉન્ડની જગ્યા,બાંદરા (પશ્ચિમ)ના રહેવાસી બે ફ્લેટ,ઉસ્માનાબાદની અંદાજે ૧૪૮ એકર જમીન જપ્ત કરી છે.

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)ની એફઆઇઆર બાદ ફેબુ્રઆરીમાં ઇડીએ પણ કેસ દાખલ કર્યો હતો.આ મામલો અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ તેની ગેન્ગના અનિસ ઇબ્રાહિમ,છોટા શકીલ,જાવેદ ચીકના,ટાઇગર મેમણ સંદર્ભે હતો. ભારતમાંથી નાસી ગયા બાદ દાઉદ તેની બહેન હસીના પારકર અને અન્ય સાથીદારની મદદથી અહીં ગુનાહિત પ્રવૃત્તિ કરતો હોવાનો એનઆઇએની એફઆઇઆરમાં ઉલ્લેખ હતો.

અગાઉ દેવેન્દ્ર ફડણવીસે મલિક સામે અંડરવર્લ્ડની સાથે લિંક ધરાવવાનો આરોપ કર્યો હતો. અંડરવર્લ્ડના બે સાગરિતો પાસેથી મલિકે સસ્તામાં જમીન ખરીદી હોવાનો દાવો મલિકે કર્યો હતો.સરદાર શાહવલી ખાનને ૧૯૯૩ના બોમ્બ ધડાકા કેસમાં ૨૦૦૭માં ટાડા કોર્ટે જન્મટીપની સજા આપી હતી.ટાઇગર મેમણે તેને શસ્ત્રોની ટ્રેનિંગ આપી હતી. તે ટીમમાં ખાન હતો અને તેણે રેકી કરી હોવાનો આરોપ છે.જ્યારે મોહમ્મદ સલીમ ઇશાક પટેલ ઉર્ફે સલીમ પટેલ જે દાઉદની દિવંગત બહેન હસીના પારકરનો ફ્રેન્ટમેન હતો. તેને ૨૦૦૭માં જમીન હડપ કરવાના કેસમાં પકડવામાં આવ્યો હતો.પટેલ પારકરની પાવર ઓફ એટર્ની ધરાવતો હતો અને તેનો બોડીગાર્ડ ડ્રાઇવર હતો.

કુર્લાના એલબીએસ માર્ગ પર ૨.૮૦ એકરની મોકાની પ્રોપર્ટી સોલિડસ ઇન્વેસ્ટમેન્ટ પ્રા.લિ.એ માત્ર રૃા.૩૦ લાખમાં ખરીદી હતી.ડીલ પર સહી કરનાર નવાબ મલિકનો પુત્ર ફરાઝ મલિક હોવાનો દાવો ફડણવીસે કર્યો હતો. ૨૦૧૯માં પ્રધાન બનતા મલિકે પણ આ કંપનીમાંથી રાજીનામું આપ્યું હોવાનો દાવો કરાયો હતો.

મલિકે આ સોદામાં ૧૫ લાખ રૃપિયા સરદાર શાહવલી ખાનને અને રૃા. પાંચ લાખ સલીમ ઇશાક પટેલને ચૂકવ્યા હતા.આ રકમ રૃા. ૩૦ લાખની ડીલ કરતા રૃા. ૧૦ લાખ ઓછી હતી.આ જમીનનો બજાર ભાવ ૮,૫૦૦ પ્રતિ ચો. મીટર હતો.જે મલિકને રૃા. ૨૫ પ્રતિ ચો. મીટરના ભાવે પડી હોવાનો આરોપ છે.જો કે મલિકે આ તમામ આરોપ ખોટા હોવાનું જણાવીને ફગાવી દીધા હતા.

આ પહેલાં ઇડીએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના સાળા શ્રીધર પાટણકર,શિવસેનાના પ્રતાપ સરનાઇક,સંજય રાઉત સહિત અન્ય નેતાની કરોડો રૃપિયાની સંપત્તી જપ્ત કરતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.આ ઉપરાંત ઇન્કમટેક્સ વિભાગે મુંબઇ મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના તાત્કાલિક અધ્યક્ષ યશવંત જાધવના ઘરે,ઓફિસમાં અંદાજે ૭૨ કલાક સર્ચ ઓપરેશન હાથધરી માલમત્તા જપ્ત કરી હતી.

Share Now