મુંબઇમાં 2 વર્ષમાં 1.20 લાખ લોકોને કૂતરાં બચકાં ભરી ગયાં

142

મુંબઈ : મુંબઈ શહેર અને ઉપનગરીય વિસ્તારોમાં જાન્યુઆરી ૨૦૨૦થી ડિસેમ્બર ૨૦૨૧ દરમ્યાનના બે વર્ષમાં કુલ ૧,૨૦,૧૯૬ નાગરિકોને શ્વાનના કરડવાના કિસ્સા નોંધાયાં છે.આથી ભટકતાં કૂતરાંઓનો આતંક આજેય કાયમ છે, એવું જાણી પાલિકાએ શ્વાનોની નસબંધી પર ભાર આપ્યો છે.ગત બે વર્ષમાં ૨૩ હજારથી વધુ શ્વાનોની નસબંધી કરાઈ હોવાનું સૂત્રો દ્વારા જણાયું છે.રખડતાં શ્વાનોના ઉપદ્રવને કારણે માત્ર મુંબઈવાસીઓ જ નહિ તો રાજ્યના અન્ય શહેરોના લોકો પણ પરેશાન છે.મુંબઈ જેવા શહેરમાં રાત્રે નોકરી-ધંધાથી મોડા ઘરે જતાં નાગરિકોની સંખ્યા મોટી છે.રાત્રે વાહનમાંથી ઊતરી ઘરે જતી વખતે અનેક લોકોને શ્વાનનો સામનો કરવો પડે છે.જેનો સર્વાધિક ત્રાસ મોટરસાયકલિસ્ટોને થાય છે.ઘણીવાર શ્વાનો અચાનક મોટર સાયકલ પર તરાપ મારતાં હોવાથી અકસ્માત પણ થાય છે.૨૦૧૪માં કરાયેલ પશુગણનામાં મુંબઈના ભટકતાં શ્વાનોની સંખ્યા ૨,૯૬,૨૨૧ જેટલી હતી.તેમનું પ્રજનન રોકવા માટે પાલિકાએ નસબંધીનો વેગ વધારવા છતાં શ્વાનોની સંખ્યા કંઈ ઘટી નથી.આથી નાગરિકોને કૂતરાંઓના કરડવાનું પ્રમાણ એટલું જ છે.૨૦૧૭ તેમજ ૨૦૧૮માં વાર્ષિક સરેરાશ ૫૫ હજાર અર્થાત્ બે વર્ષમાં ૧.૧૦ લાખ તો ૨૦૨૦ અને ૨૦૨૧માં ૧.૨૦ લાખ લોકોને શ્વાને બચકાં ભર્યાનું નોંધાયું છે.ભટકતાં શ્વાનોનો ત્રાસ ઓછો કરવા નિર્બિજીકરણ (નસબંધી) તેમજ રેબિજ રસીકરણ વધારવા પર પાલિકાએ જોર આપ્યું છે.શ્વાનોની નસબંધી માટે સાત સંસ્થાઓની નિયુક્તિ કરી છે.૨૦૨૦માં કોરોનાને કારણે શ્વાનોની નસબંધી તેમજ રસીકરણનો વેગ ધીમો પડયો હતો, એવું પાલિકાનું કહેવું છે.શ્વાનોની નસબંધી થયા બાદ તેમને જ્યાંથી ઉપાડવામાં આવ્યા હોય ત્યાં પાછા છોડી દેવાય છે.વર્ષે ૩૦ ટકા શ્વાનોની નસબંધી થવી જોઈએ, એવો નિયમ હોઈ તે માટે પાલિકા પ્રયાસો કરી રહી હોવાની માહિતી પાલિકાના આરોગ્ય વિભાગના સૂત્રો દ્વારા મળી છે.

Share Now