અમરાવતી, તા. 24 એપ્રિલ 2022, રવિવાર : આંધ્રપ્રદેશના વિજયવાડા શહેરમાં શનિવારે વહેલી સવારે એક ઈલેક્ટ્રીક બાઈકની બેટરી ફાટવાથી એક 40 વર્ષના વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું છે.ઈલેક્ટ્રીક બાઈકની બેટરી ફાટવાને કારણે વ્યક્તિના બેડરૂમમાં આગ લાગી ગઈ હતી.આ દરમિયાન તે વ્યક્તિની પત્નીને પણ આગની ઝાળ લાગી હતી.પોલીસે જણાવ્યું કે, મહિલાની હાલત ગંભીર છે.આ બ્લાસ્ટમાં તેમના બે બાળકો પણ ઘાયલ થયા છે જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.પાડોસી રાજ્ય તેલંગાણાના નિઝામાબાદમાં 3 દિવસ પહેલા આ જ પ્રકારની ઘટના બની હતી જેમાં 80 વર્ષના વ્યક્તિનું મોત થઈ ગયું હતું.હાલના દિવસોમાં મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં પણ આ જ પ્રકારની ઘટનાઓ સામે આવી છે.મૃતક શિવકુમાર એક ડીટીપી કાર્યકર્તા હતા અને તેમણે શુક્રવારે જ ઈલેક્ટ્રીક બાઈક ખરીદી હતી.સૂર્યરાવપેટના પોલીસ નિરિક્ષક વી. જાનકી રામૈયાએ જણાવ્યું કે, શુક્રવારે રાતે વાહનની બેટરી બેડરૂમમાં ચાર્જિંગમાં લગાવી હતી અને વહેલી સવારે જ્યારે બધા સૂઈ રહ્યા હતા ત્યારે અચાનક વિસ્ફોટ થયો હતો.વિસ્ફોટના કારણે ઘરમાં આગ લાગી હતી, જેના કારણે એસી અને અન્ય કેટલીક વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી.શિવકુમારનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ મોત થઈ ગયું હતું.પોલીસે જણાવ્યું કે મૃતકની પત્નીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.નિરીક્ષકે કહ્યું કે, વિસ્ફોટનું કારણ હજુ સુધી જાણી નથી શકાયું.આ સંદર્ભે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે.