પાકિસ્તાનમાં આ આત્મઘાતી મહિલા બની છે ચર્ચાનો વિષય, બોંબ વિસ્ફોટ કરીને પાક સરકારની ઉંઘ કરી છે હરામ

194

ઇસ્લામાબાદ,28 એપ્રિલ,2022,ગુરુવાર : તાજેતરમાં પાકિસ્તાનમાં કરાંચી યુનિવર્સિટીના પરિસરમાં થયેલા આત્મઘાતી બોંબ હુમલામાં કુલ 4 લોકોના મોત થયા હતા જેમાં 3 ચાઇનિઝ નાગરિકો પણ હતા.આતંકવાદની ફેકટરી ગણાતા પાકિસ્તાનમાં આતંકી હુમલાએ કોઇ નવાઇની વાત નથી પરંતુ ચીની નાગરિકોને ટાર્ગેટ કરીને કરવામાં આવેલા ફિદાઇન હુમલો પ્રથમવાર શારી બલોચ ઉર્ફે બરમશ નામની મહિલા દ્વારા કરવામાં આવ્યો હતો.

આ હુમલાની જવાબદારી બલોચ લિબરેશન આર્મી (બીએલએ) એ લેતા આત્મઘાતી મહિલા પણ તેની સાથે સંકળાયેલી હોય તે સ્વભાવિક છે.બીએલએ પાકિસ્તાનમાં એક વિદ્રોહી ગ્રુપ છે જેને પાકિસ્તાનથી આઝાદ બ્લૂચિસ્તાન જોઇએ છે.બીએલએ બલોચિસ્તાનમાંથી પસાર થતા ચીન અને પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (સીપીઇસી) પ્રોજેકટનું ઘોર વિરોધી હોવાથી ચીની લોકોને ટાર્ગેટ કરી રહયું છે.કરાંચી હુમલામાં સૌથી વધુ ચર્ચા શારી બલોચ નામની ફિદાઇન મહિલાની થઇ રહી છે.પ્રાપ્ત માહિતી અનુસાર આ મહિલા બલુચિસ્તાનના તુર્બત જિલ્લાના નજરાબાદમાં રહેતી હતી.તેને 2015માં બલૂચિસ્તાન યુનિવર્સિટીમાંથી ઝુઓલોજી વિષય સાથે એમએસસીનો અભ્યાસ કર્યો હતો.એટલું જ નહી એક ગર્વમેન્ટ ગર્લ્સ સ્કૂલમાં બાળકોને ભણાવતી હતી.

તેના ડેન્ટિસ્ટ પતિનું નામ હેબતાન બશીર બલોચ હતું. બોંબ વિસ્ફોટ કરીને ખુદને ઉડાવી દેનારી આ મહિલા બે બાળકોની માતા પણ હતી.સામાન્ય રીતે ફિદાઇન હુમલામાં બ્રેઇન વોશ જરુરી હોય છે અને તેના માટે 18 થી 20 વર્ષના યુવાનોને તૈયાર કરવામાં આવતા હોય છે પરંતુ બે બાળકોની માતા અને શિક્ષિત દિક્ષિત મહિલા આત્મઘાતી બોંબર બની તેનાથી પાકિસ્તાન હુકમરાનોમાં ડર પેદા થયો છે.ચીન પણ પોતાના નાગરિકોનું પાકિસ્તાન રક્ષણ ના કરી શકયું એટલે ધૂંવાપૂવા છે.સૌથી વધુ ડર તો એ વાતનો છે કે શારી બલોચ જેવી મહિલાઓનું આત્મઘાતી દળ બીએલએ ધરાવે છે.બલૂચિસ્તાન લિબરેશન આર્મીમાં શારી બલોચ બે વર્ષથી મજીદ બ્રિગેડમાં જોડાયેલી હતી. આ બ્રિગેડમાં અનેક આત્મઘાતી મહિલાઓ જોડાયેલી છે.આથી આ ફિદાઇન હુમલો પાકિસ્તાનમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Share Now