નેપાળની ક્લબમાં ચીની મહિલા સાથે પાર્ટી કરતા રાહુલ ગાંધીનો વીડિયો વાઈરલ

112

નવી દિલ્હી, તા.૩ : દેશ મોંઘવારી, વીજકટોકટી સહિતની સમસ્યાઓથી ઘેરાયેલો છે તેવા સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના યુરોપ પ્રવાસે ગયા છે એવા કોંગ્રેસના આક્ષેપો તેને જ ભારે પડી ગયા છે.કોંગ્રેસના આક્ષેપોના બીજા જ દિવસે ભાજપે કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનો એક ક્લબમાં પાર્ટી કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ કરીને કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે.ભાજપે લખ્યું છે, વડાપ્રધાનને સલાહ આપનારા રાહુલ પોતે જ પાર્ટીમાં વ્યસ્ત છે.બીજીબાજુ કોંગ્રેસે ખુલાસો કરતાં કહ્યું, મિત્રના લગ્નમાં જવું હજુ સુધી ગૂનો નથી.ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયે તેમના ટ્વિટર હેન્ડલ પરથી રાહુલ ગાંધીનો એક ચીની મહિલા સાથે વાત કરતો વીડિયો ટ્વીટ કરીને કહ્યું કે, મુંબઈ પર હુમલા થયા હતા ત્યારે પણ રાહુલ એક નાઈટક્લબમાં હતા.તેમના પક્ષમાં કટોકટી સર્જાઈ છે ત્યારે પણ તે ત્યાં જ છે.તેમનામાં સાતત્યપણું છે.માલવિયે રાહુલનો વીડિયો ટ્વીટ કર્યા પછી સોશિયલ મીડિયા પર તે વાઈરલ થઈ ગયો અને ભાજપના અનેક નેતાઓ રાહુલ ગાંધીની ટીકા કરવા કૂદી પડયા હતા.

જોકે, દેશ મોંઘવારી, વીજકટોકટી સહિતની સમસ્યાઓથી ઘેરાયેલો છે તેવા સમયે વડાપ્રધાન મોદીને વિદેશ પ્રવાસમાં રસ છે એવો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો.વડાપ્રધાન મોદી ત્રણ દિવસના પ્રવાસ માટે સોમવારે યુરોપ પહોંચ્યા હતા. સોમવારે રાત્રે કોંગ્રેસના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વીટ કરાઈ કે, ‘દેશ મેં સંકટ છાયા હૈ, મગર સાહેબ કો વિદેશ ભાયા હૈ.’ કોંગ્રેસની આ ટ્વીટના જવાબમાં કેટલાક કલાકમાં જ ભાજપે રાહુલ ગાંધીનો નેપાળની પ્રખ્યાત ક્લબમાં પાર્ટી કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ કર્યો છે.આ વીડિયોમાં એક ચીની મહિલા પણ જોવા મળે છે.

માલવિયે વીડિયો ટ્વીટ કર્યા પછી રાહુલ સાથે ચીની મહિલા કોણ છે તે જાણવા અંગે પણ સોશિયલ મીડિયામાં લોકોમાં ભારે કૂતુહલ જાગ્યું હતું.જોકે, પાછળથી ખુલાસો થયો હતો કે, ભાજપે ટ્વીટ કરેલા વીડિયોમાં ચીની મહિલા ચીનની રાજદૂત હોવાનું જણાયું છે.કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ રાહુલનો વીડિયો શૅર કરતાં લખ્યું કે સતત પાર્ટી, રજાઓ, પ્લેઝર ટ્રીપ, પ્રાઈવેટ ફોરેન વિઝિટ વગેરે હવે દેશ માટે કોઈ નવી વાત નથી.ભાજપના પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ કહ્યું કે, રાજસ્થાન સળગી રહ્યું છે, પરંતુ રાહુલ ગાંધી પાર્ટી કરી રહ્યા છે. રાહુલ પાર્ટ ટાઈમ રાજનેતા જ નથી, પરંતુ પાર્ટી ટાઈમ રાજનેતા છે.આ પહેલી વખત નથી.યાદ કરો, મુંબઈ ઉપર ૨૬/૧૧ના હુમલા સમયે પણ તેઓ પાર્ટી મોડ પર હતા.
રાહુલ ગાંધીના ચીની મહિલા સાથે વાઈરલ વીડિયો અંગે કોંગ્રેસે સફાઈ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. કોંગ્રેસના પ્રવક્તા રણદીપસિંહ સુરજેવાલે જણાવ્યું કે, રાહુલ ગાંધી ભારતના મિત્ર દેશ નેપાળમાં એક મિત્રના લગ્ન સમારંભમાં હાજરી આપવા ગયા છે.તેમણે કટાક્ષપૂર્ણ અંદાજમાં કહ્યું કે રાહુલ વડાપ્રધાન મોદીની જેમ બોલાવ્યા વિના જ પાકિસ્તાનના વડાપ્રધાનના ત્યાં કેક કાપવા પહોંચી નથી ગયા.તેમણે ઉમેર્યું કે દેશમાં હજુ સુધી નેતાઓ દ્વારા મિત્રના લગ્ન સમારંભમાં હાજરી આપવાને ગૂનો જાહેર કરાયો નથી.
કાઠમંડૂ પોસ્ટના અહેવાલ મુજબ રાહુલ ગાંધી સીએનએનની પત્રકાર સુમનીમા ઉદાસના લગ્નમાં હાજરી આપવા કાઠમંડૂ પહોંચ્યા છે.સુમનીમા નેપાળમાં મ્યાંમારના રાજદૂતની પુત્રી છે અને આ તેમની વ્યક્તિગત મુલાકાત છે.સીએનની પૂર્વ પત્રકાર સુમનીમાના લગ્ન માર્ટિન શેરપા સાથે થઈ રહ્યા છે.નવવધૂના પિતા ભિમે જણાવ્યું કે લગ્ન સમારંભ મંગળવારે યોજાયો છે અને ૫મી મેએ બૌદ્ધ સ્થિત હયાત રિજન્સી હોટેલમાં એક રિસેપ્શન યોજાશે.અન્ય અતિમહત્વપૂર્ણ ભારતીય હસ્તીઓ પણ આ લગ્ન સમારંભમાં હાજરી આપવા પહોંચી છે.

Share Now