સ્પેનમાં પેગાસસથી વડાપ્રધાન, સંરક્ષણ મંત્રીના ફોન ટેપ થયા

123

મેડ્રિડ, તા.૩ : જાસૂસી સોફ્ટવેર પેગાસસ અંગે સ્પેનમાં એક મોટા ખુલાસાથી હોબાળો મચી ગયો છે.પેગાસસ સોફ્ટવેરથી સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ અને સંરક્ષણ મંત્રી માર્ગરીટા રોબલ્સની પણ જાસૂસી થઈ હોવાનો ખુલાસો થયો છે.સ્પેનના અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે, પેગાસસ જાસૂસી સોફ્ટવેરથી વડાપ્રધાન અને સંરક્ષણ મંત્રીના ફોન ટેપ થયા હતા. જોકે, પેગાસસ મારફત નેતાઓ, સામાજિક કાર્યકરોની જાસૂસી કરાઈ હોવાના રિપોર્ટ્સ નવા નથી.અધિકારીઓએ જણાવ્યું કે, વડાપ્રધાન પેડ્રો સાંચેઝનો મોબાઈલ ફોન મે ૨૦૨૧માં બે વખત હેક થયો હતો.વધુમાં સંરક્ષણ મંત્રી માર્ગરીટા રોબલ્સનો ફોન એપ્રિલ ૨૦૨૧માં એક વખત હેક કરાયો હતો.વધુમાં સ્પેનના અધિકારીઓ અન્ય મંત્રીઓ અને વરિષ્ઠ સરકારી અધિકારીઓને પણ નિશાન બનાવાયા છે કે કેમ તેની તપાસ કરી રહ્યા છે.

પ્રમુખ ઓફિસના મંત્રી ફેલિક્સ બોલાનોસે કહ્યું, આ ગેરકાયદે દરમિયાનગીરી છે.બહારના તત્વો દ્વારા આ કૃત્ય કરાયા છે.સાઈબર સુરક્ષા નિષ્ણાતોના જૂથ ‘સિટિઝન લેબ’ મુજબ સ્પેનની સરકાર પર એ સ્પષ્ટ કરવા દબાણ છે કે ૨૦૧૭ અને ૨૦૨૦ વચ્ચે ઉત્તર-પૂર્વીય કૈટેલોનિયામાં અલગતાવાદી આંદોલન સાથે સંકળાયેલા લોકોના ફોનને પેગાસસથી શા માટે નિશાન બનાવાયા હતા.ભારતમાં ૨૦૧૯માં પેગાસસ સોફ્ટવેર મારફત સરકાર અને વિપક્ષના ટોચના નેતાઓ સહિત સેંકડો ન્યાયાધિશો, સરકારી અધિકારીઓ, પત્રકારો, માનવ અધિકાર કાર્યકરો અને અનેક નેતાઓના ફોનની જાસૂસી થઈ હોવાના આરોપોથી ખળભળાટ મચી ગયો હતો.

પેગાસસ ઈઝરાયેલની સુરક્ષા કંપની એનએસઓ ગુ્રપ દ્વારા તૈયાર કરાયેલું એક જાસૂસી સોફ્ટવેર છે.આ સોફ્ટેવર કોઈપણ વ્યક્તિના ફોનમાં ઈન્સ્ટોલ કરીને તેનો ફોન હેક કરી શકાય છે.હેકર આ સોફ્ટવેર મારફત તે સ્માર્ટફોનના માઈક્રોફોન કેમેરા, ઓડિયો અને ટેક્સ્ટ મેસેજ, ઈમેલ તથા લોકેશન સુધીની માહિતી મેળવી શકે છે.જોકે, ઈઝરાયેલના એનએસઓ ગૂ્રપ દ્વારા જણાવાયું હતું કે, આ જાસૂસી સોફ્ટવેર માત્ર સરકારોને જ વેચવામાં આવે છે.તેનું ખાનગી વેચાણ થતું નથી.

Share Now