(પીટીઆઇ) જબલપુર, તા. ૬ :
મધ્ય પ્રદેશ હાઇકોર્ટે એક મહિલાની હત્યામાં એક આદિવાસી યુવકને નિર્દોષ જાહેર કર્યો છે.આ ચુકાદો આપતી વખતે મધ્ય પ્રદેશ હાઇકોર્ટે પોલીસની ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે તેણે આ કેસની તપાસ વ્યકિતને ખોટી રીતે ફસાવવાના ઉદ્દેશ સાથે કરી હતી.હાઇકોૈર્ટે રાજ્ય સરકારને આ યુવકને ૪૨ લાખ રૃપિયાનું વળતર આપવાનો આદેશ આપ્યો છે.હાઇકોર્ટે જણાવ્યું છે કે યુવકે ન્યાય મેળવવાની રાહમાં પોતાના કિંમતી ૧૩ વર્ષ જેલમાં પસાર કર્યા છે.કોર્ટે જણાવ્યું છે કે આ કેસ દુર્ભાવના અને પૂર્વગ્રહ પ્રેરિત તપાસનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.કોર્ટે વધુમાં જણાવ્યું છે કે આ કેસમાં ખોટી રીતે ફસાવવાને કારણે યુવકનું સમગ્ર જીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે.
મહિલાના હત્યાના સમયે યુવક ભોપાલ સ્થિત ગાંધી મેડિકલ કોલેજમાં એમબીબીએસના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો.તેના પર પચમેઢીમાં પોતાની પ્રેમિકાની હત્યા કરવા અને તેના મૃતદેહને સંતાડી દેવાનો આરોપ હતો.હાલમાં આ યુવકની ઉંમર ૩૪ વર્ષ થઇ ગઇ છે.ન્યાયમૂર્તિ અતુલ શ્રીધરન અને ન્યાયમૂર્તિ સુનિતા યાદવની બનેલી ડિવિઝનલ બેન્ચે માર્સકોલેની સજા રદ કરી હતી.૨૦૦૯ના નીચલી કોર્ટના આદેશ વિરુદ્ધની અરજીનો પણ નિકાલ કર્યો હતો.હાઇકોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું છે કે અરજકર્તાને તાત્કાલિક મુક્ત કરવામાં આવે. આ કેસ દુર્ભાવના અને પૂર્વગ્રહથી પ્રેરિત હોવાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. પોલીસે ફરિયાદ પક્ષના સાક્ષી ડો. હેમંત વર્માને બચાવવાના એક માત્ર ઉદ્દેશથી તપાસ કરી હતી.બની શકે છે કે આ કેસમાં ડો. હેમંત વર્મા વાસ્તવિક અપરાધી હોય.હાઇકોર્ટે રાજ્ય સરકારને ૯૦ દિવસની અંદર ૪૨ લાખ રૃપિયા વળતર પેટે ચૂકવવાનો આદેશ આપ્યો છે.જો ૯૦ દિવસમાં ૪૨ લાખ રૃપિયા વળતર પેટે ચૂકવવામાં નહીં આવે તો ત્યાર પછી વાર્ષિક આ રકમ પર વાર્ષિક ૯ ટકાના દરે વ્યાજ પણ ચૂકવવો પડશે.