ક્યૂબા: હવાનાની લક્ઝરી હોટેલ સારાટોગામાં વિસ્ફોટ, બાળકો સહિત 22 લોકોના મોત, 74 ઘાયલ

181

ક્યૂબા, તા. 07 2022, શનિવાર : ક્યૂબાની રાજધાની હવાનાના મધ્યમાં એક લક્ઝરી હોટેલમાં પ્રાકૃતિક ગેસ લીક થવાને કારણે થયેલા વિસ્ફોટમાં બાળકો સહીત 22 લોકોના મોત થઈ ગયા છે.જ્યારે અન્ય ડઝનો ઘાયલ થયા છે.હવાનાના ગવર્નર રેનાલ્ડો ગાર્સિયા જાપાટાએ જણાવ્યુ્ં કે, વિસ્ફોટ સમયે 96 રૂમની સારાટોગા હોટેલમાં કોઈ પ્રવાસીઓ ન હતા કારણ કે, ત્યાં સમારકામ ચાલી રહ્યું હતું.ઘટના સ્થળની મુલાકાત કરનાર રાષ્ટ્રપતિ મિગુએલ ડિઆઝ-કૈનેલે ટ્વીટ કર્યું છે કે, આ કોઈ બોમ્બ વિસ્ફોટ કે, હુમલો નથી તે એક દુઃખદ અકસ્માત છે.આરોગ્ય મંત્રાલયના હોસ્પિટલ સેવાઓના પ્રમુખ ડૉ. જુલિયો ગુએરા ઈઝક્વીર્ડોએ જણાવ્યું હતું કે, શુક્રવારે થયેલા આ અકસ્માતમાં 74 લોકો ઘાયલ થયા છે. રાષ્ટ્રપતિ કાર્યાલયના ટ્વીટ પ્રમાણે ઘાયલ થયેલા લોકોમાં 14 બાળકો સામેલ છે.મળતી માહિતી પ્રમાણે વિસ્ફોટથી પ્રભાવિત હોટલની નજીકની ઈમારતોમાં રહેતા પરિવારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

ક્યુબાના રાષ્ટ્રીય આરોગ્ય પ્રધાન જોસ એનજેલ જણાવ્યું હતું કે, ઘાયલોની સંખ્યા વધી શકે છે કારણ કે, જૂના હવાનામાં 19મી સદીની હોટલના કાટમાળ નીચે લોકો ફસાયેલા હોઈ શકે છે.ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટના લેફ્ટિનન્ટ કર્નલ નોએલ સિલ્વાએ જણાવ્યું કે, અમે હજુ પણ કાટમાળની નીચે લોકોની શોધ કરી રહ્યા છે.હોટલની બાજુમાં સ્થિત 300 વિદ્યાર્થીઓ વાળી એક શાળા પણ ખાલી કરાવવામાં આવી છે. તેમણે કહ્યું કે, આ દુર્ઘટનામાં 5 વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા પહોંચી છે.બ્લાસ્ટ બાદ પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો.

હોટલનું સંચાલન ક્યૂબાની સૈન્યની ટુરિઝમ બિઝનેસ શાખા ગ્રૂપો ડી તુરિસ્મો ગેવિઓટા એસએ દ્વારા કરવામાં આવી રહ્યું છે.કપની તરફથી કહેવામાં આવ્યું છે કે, બ્લાસ્ટના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.તમને જણાવી દઈએ કે, હોટેલ સારાટોગાનો ઉપયોગ યુએસ સરકારના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સહિત વીઆઈપી અને રાજકીય હસ્તીઓ દ્વારા કરવામાં આવે છે.બેયોન્સ અને જે-ઝેડ 2013માં ક્યુબાના પ્રવાસ દરમિયાન ત્યાં રોકાયા હતા.

Share Now