નવી દિલ્હી : શ્રીલંકામાં આર્થિક કટોકટી અત્યંત ઘેરી બનતા આ ટાપુ દેશમાં વ્યાપક રમખાણો થઈ રહ્યાં છે.પોલિસ અને દેખાવકારો વચ્ચે ગૃહયુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે.તોફાને ચઢેલાં ટોળાઓએ સરકારી મકાનો અને વાહનોને આગ ચાંપી દીધી છે.પોલીસના અથાક પ્રયત્નો છતાં તોફાને ચઢેલાં ટોળાએ વડાપ્રધાન રાજપક્ષેનાં સત્તાવાર નિવાસસ્થાનના ચોગાનની બહાર રહેલા લોખંડનો દરવાજો તોડી વડાપ્રધાનના નિવાસસ્થાનમાં ઘૂસી ગયા હતા.પરંતુ તે પૂર્વે વડાપ્રધાન સલામત સ્થળે નાસી છુટયા હતા.અને નેવલ બેઝમાં આશ્રય લીધો હતો.શ્રીલંકાની આવી કઠોર પરિસ્થિતિ વચ્ચે ભારતે પોતાના પાડોશીને બને તેટલી સહાય કરવા કમર કસી છે.
વિદેશ મંત્રાલયે આજે પ્રસિદ્ધ કરેલા સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે માત્ર આ વર્ષોમાં જ હજી સુધીમાં ભારતે શ્રીલંકાને ૩.૫ અબજ ડોલરની (રોકડ) સહાય કરી છે, તે ઉપરાંત તેને ખાદ્યાન્ન તથા ઔષધીઓની પણ પૂરતી સહાય કરી છે.આ તેણે ‘પહેલો સગો પાડોશી’ તે દ્રષ્ટિમાં રાખી પાડોશી ધર્મ બજાવ્યો છે.આ માહિતી આપતાં વિદેશ મંત્રાલયના પ્રવકતા અરવિંદમ્ બાગચીએ કહ્યું હતું કે, ભારત હંમેશા શ્રીલંકાના શ્રેષ્ઠ હિતોને જ લક્ષ્યમાં રાખે છે, અને તેથી જ શ્રીલંકાના જન સામાન્યને કહે છે કે તમારે વિરોધ કરવો હોય તો તે લોકશાહી પદ્ધતિએ દર્શાવો.આ કથન અંગે નિરીક્ષકો કહે છે કે, ‘કથનમાં સત્ય અને તથ્ય બન્ને છે પરંતુ આ ટાપુ રાષ્ટ્રમાં જનતા એટલી હદે વ્યથિત થઈ છે કે તેનો આક્રોશ હવે કાબુમાં રહી શકે તેમ નથી.’