કાશ્મીરમાં ગોળી મારીને સરકારી અધિકારીની હત્યાઃ ઘાટીમાં ૧૬૮ આતંકવાદીઓ સક્રિય

122

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ સરકારી ઓફિસમાં ઘૂસીને રાહુલ ભટ્ટ નામના અધિકારીની હત્યા કરી દીધી હતી. કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટ ઘણાં વર્ષોથી જમ્મુ-કાશ્મીરના રેવન્યૂ વિભાગમાં કાર્યરત હતા.અધિકારીની હત્યા કરીને આતંકવાદીઓ નાસી છૂટયા હતા.સુરક્ષાદળોએ આતંકવાદીઓની શોધખોળ શરૃ કરી છે.જમ્મુ-કાશ્મીરના બડગામમાં સરકારના રેવન્યૂ વિભાગમાં કાર્યરત રાહુલ ભટ્ટ નામના સરકારી અધિકારીની આતંકવાદીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી.કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની હત્યા તાલુકા રેવન્યૂ ઓફિસમાં ઘૂસીને કરવામાં આવી હતી.આતંકવાદીઓ ઓફિસમાં આવીને ગોળી માર્યા બાદ નાસી છૂટયા હતા.હોસ્પિટલમાં સારવાર દરમિયાન રાહુલ ભટ્ટનું મૃત્યુ થયું હતું.સુરક્ષાદળોએ રાહુલ ભટ્ટની હત્યા કરીને નાસી છૂટેલા આતંકવાદીઓને પકડી લેવા માટે આખાય વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

જમ્મુ-કાશ્મીર કોંગ્રેસે આ મુદ્દે સરકારી તંત્રની ઝાટકણી કાઢી હતી. કોંગ્રેસના નેતા અશ્વિની હાંડાએ કહ્યું હતું કે વર્તમાન પ્રશાસન કાશ્મીરી પંડિતોને સુરક્ષા આપી રહી નથી. કાશ્મીરી પંડિતો ઉપર સતત હુમલા થઈ રહ્યા છે.શ્રીનગર હાઈવે પર કાશ્મીરી પંડિતોએ સૂત્રોચ્ચાર કરીને આ ઘટનાના વિરોધમાં પ્રદર્શનો કર્યા હતા અને કાશ્મીરી પંડિતોને સુરક્ષા આપવાની માગણી કરી હતી.કાશ્મીરમાં અત્યારે ૧૬૮ આતંકવાદીઓ સક્રિય છે.સૈન્યના નિવેદનમાં કહેવાયું હતું કે કાશ્મીરમાં સતત આતંકવાદીઓનો ખાતમો બોલતો હોવાથી આતંકવાદીઓ આ રીતે નાગરિકોને નિશાન બનાવી રહ્યા છે.અત્યારે ૧૬૮ આતંકીઓ સક્રિય છે, એમાંથી ૮૫ આતંકીઓ પાકિસ્તાની છે.તેની સામે આક્રમક ઓપરેશન શરૃ રખાશે.આ વર્ષે અત્યાર સુધીમાં ૭૫ આતંકવાદીઓને એન્કાઉન્ટરમાં ઠાર કરી દેવાયા છે.

દરમિયાન દિલ્હીમાં વાયુસેનાનો એક જવાન પાકિસ્તાન માટે જાસૂસી કરતો હતો. સેનાની ગુપ્ત માહિતી પાકિસ્તાનની નાપાક જાસૂસી એજન્સી આઈએસઆઈને મોકલતો હતો અને બદલામાં આઈએસઆઈ હવાલાથી તેને પૈસા મોકલતી હતી.દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચે એ જવાનની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી છે.દિલ્હીના સુબ્રતો પાર્કમાં આવેલા વાયુસેનાના રેકોર્ડ કાર્યાલયમાં એ જવાન તૈનાત હતો.દેવેન્દ્ર શર્મા નામનો વાયુસેનાનો આ જવાન હની ટ્રેપમાં પણ ફસાયો હતો.

Share Now