નીટ-પીજી પરીક્ષા પાછળ ધકેલવાની વિદ્યાર્થી સંગઠનની માગણી સુપ્રીમ કોર્ટે ફગાવી

241

મુંબઈ : સુપ્રીમ કોર્ટે પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ કોર્સમાં એડમિશન માટે લેવાતી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (નીટ પીજી) ૨૦૨૨ને સ્થગિત કરવાની માગણી કરતી યાચિકા ફગાવી છે.ન્યા.ડી.વાય.ચંદ્રચૂડ અને ન્યા.સૂર્યકાંતની ખંડપીઠે આજે ઉક્ત પ્રકરણે સુનાવણી હાથ ધરી હતી.સુનાવણી દરમ્યાન કોર્ટે કહ્યું કે, નીટ પીજી ૨૦૨૨ને સ્થગિત કરવાની માગણી પર વિચાર કરી શકાય નહિ, કારણ તેનાથી અરાજકતા અને અનિશ્ચિતતા જ ઊભી થશે અને દર્દીઓની દેખભાળ કરતાં ડૉક્ટરોની કારકિર્દી પર અસર પડશે.દર્દીઓની સારસંભાળ સર્વોપરી છે.આથી હવે નીટ પીજી પરીક્ષા નિયોજિત તારીખ મુજબ ૨૧ મેના જ થશે.સુપ્રીમના આદેશ બાદ હવે તેના એડમિટ કાર્ડ જલ્દીથી જાહેર થવાની શક્યતા છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, નીટ પીજીની તારીખને આગળ વધારવામાં આવે તો જાન્યુઆરી ૨૦૧૬માં કોર્ટ દ્વારા નિર્ધારિત એડમિશન શેડયુલ પર વ્યાપક પ્રભાવ પડશે.એ શેડયુલ મુજબ નીટ પીજી ૨૦૨૨ની પરીક્ષાની પ્રક્રિયા પહેલેથી ચાર મહિના મોડી ચાલી રહી છે.કેન્દ્રએ કહ્યું કે, નીટ પીજી ૨૦૨૩-૨૪ની પરીક્ષા જાન્યુઆરી, ૨૦૨૩માં નિશ્ચિત થઈ ચૂકી છે.સરકાર પ્રયાસ કરી રહી છે કે, ગત બે વર્ષમાં કોવિડને કારણે પાટેથી ઊતરેલું એડમિશન શેડયુલ ફરી પાટે ચડે.

કોર્ટે કેન્દ્રના એ તર્કને સ્વીકાર્યું છે કે, હૉસ્પિટલોમાં પહેલેથી જ રેસિડેન્ટ ડૉક્ટર્સની અછત છે કારણ આ વર્ષે પીજી ડૉક્ટર્સના બે બેચ હતા.કોર્ટે વધુમાં કહ્યું કે, રાજ્યો સંતુલન જાળવવાની કોશિશ કરી રહ્યાં છે.મોટી સંખ્યામાં એવા ડૉક્ટર્સ છે, જેમણે ૨૦૨૨ની પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે.૨,૦૬,૦૦૦ થી વધુ ડૉક્ટરોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેઓ ગત બે વર્ષ પરીક્ષામાં બેસનારા વિદ્યાર્થીઓની સંખ્યાથી ઘણી વધુ છે.આથી તેમને પણ અડચણનો સામનો કરવો પડશે.પરીક્ષામાં મોડું થતાં અન્ય ક્ષેત્રોના એડમિશનને પણ વિલંબ થશે.
ઓલ ઈન્ડિયા મેડિકલ સ્ટૂડેન્ટ એસોસિએશને નીટ-પીજી સ્થગિત કરવા માટે ચોથી મે, ૨૦૨૨ના રોજ સુપ્રીમ કોર્ટમાં યાચિકા દાખલ કરી હતી.તે ઉપરાંત મેડિકલ સ્ટૂન્ડેન્ટના અન્ય બે સંગઠને પણ સતત નીટ પીજીને પાછળ ધકેલવા અવાજ ઉઠાવ્યો છે.સંગઠનો દ્વારા કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી તેમજ પ્રધાનમંત્રીને પત્ર લખી રાહત આપવાની માગ પણ કરાઈ હતી.

Share Now