સરકાર વધતી મોંઘવારી વચ્ચે અર્થતંત્રને વેગ આપવા વધુ રૂ.2 લાખ કરોડ ખર્ચશે

292

નવી દિલ્હી : સરકાર ચાલુ નાણાકીય વર્ષ 2022-23માં વધારાના ~2 લાખ કરોડ(26 અબજ ડોલર)ખર્ચ કરવા વિચારી રહી છે.મોંઘવારી આસમાને પહોંચી છે ત્યારે અર્થતંત્રને ગતિ આપવા માટે સરકાર જંગી ખર્ચની દિશામાં આગળ વધવા વિચારી રહી છે.સૂત્રોએ કહ્યું હતું કે સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જંગી ઘટાડો કરતા તેની આવક પર સીધી અસર થશે પરંતુ સરકાર તેને કારણે ખર્ચ પર બ્રેક નહીં મારે અને અર્થતંત્રને દોડતું રાખવા માટે 26 અબજ ડોલરનો ખર્ચ ચાલુ વર્ષે કરવા અંગે વિચારી રહી છે.દેશનો રિટેલ ફુગાવાનો દર એપ્રિલમાં આઠ વર્ષની ટોચે પહોંચ્યો હતો જ્યારે હોલસેલ ભાવ આધારીત ફુગાવાનો દર 17 વર્ષની ટોચે પહોંચ્યો છે.સરકારના અંદાજ મુજબ ફર્ટિલાઈઝર સબસિડી માટે વધુ રૂ.50,000 કરોડની જરૂર પડશે.હાલમાં રૂ.2.15 લાખ કરોડની સબસિડી આપવામાં આવી રહી છે,જેમાં આ વધારાનો બોજ પડશે.ક્રૂડ ઓઈલના વૈશ્વિક ભાવ હજી ઊંચા જ રહેશે તો સંભવતઃ સરકાર ફરી ઈંધણ પર એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કરે તો સરકાર પર ચાલુ વર્ષે વધુ રૂ.1 લાખ કરોડથી રૂ.1.5 લાખ કરોડનો બોજ પડી શકે છે.એક અધિકારીએ કહ્યું હતું કે સરકારે માર્કેટમાંથી વધુ ફંડ મેળવવું પડશે અને તેને કારણે ચાલુ વર્ષ ફિસ્કલ ડેફિસિટ જીડીપીના 6.4 ટકાના ટારગેટ કરતાં વધારે રહેશે તેમ જણાય છે.જોકે સરકાર કેટલું માર્કેટ બોરોઈંગ કરશે તે અંગ તેમણે કોઈ આંકડો આપ્યો ન હતો.

Share Now