અમેરિકા યુક્રેનને મીડિયમ રેન્જ રોકેટ સિસ્ટમ પૂરી પાડશે : બાઇડેન

127

નવી દિલ્હી : યુક્રેનના પૂર્વ વિસ્તારમાં રશિયાના હુમલા ચાલુ રહ્યા છે તેવામાં અમેરિકાના પ્રમુખ જો બાઇડને જાહેર કર્યું છે કે,અમેરિકા યુક્રેનની મદદ માટે વધુ પ્રબળ રૉકેટ સિસ્ટમ મોકલશે.અહેવાલો જણાવે છે કે યુક્રેન આ માટે ઘણા સમયથી માગણી કરી રહ્યું હતું.જેથી શત્રુઓ ઉપર નિશ્ચિત રીતે હુમલા કરી શકાય.ફક્ત અમેરિકા જ નહી યુરોપના દેશોએ પણ યુક્રેનને વધારે એડવાન્સ શસ્ત્રો પૂરા પાડવા હામી ભરી છે. જર્મનીએ જણાવ્યું હતું કે તે યુક્રેનને અત્યાધુનિક એન્ટિ ટેન્ક મિસાઇલ અને રાડાર સિસ્ટમ પૂરી પાડશે.જ્યારે અમેરિકા હાઇટેક મીડિયમ રેન્જ રોકેટ સિસ્ટમ્સ પૂરી પાડશે.અમેરિકાએ ડરને લીધે હજી સુધી તે અપીલ સ્વીકારી ન હતી તે માટે જાહેરાત કરતા બાયડને જણાવ્યું હતું કે,આથી રશિયા સાથે મંત્રણા કરવામાં યુક્રેનની સ્થિતિ વધુ મજબૂત બનશે અને રાજકીય ઉકેલ શોધવાની સંભાવના વધશે.બાયડને વધુમાં જણાવ્યું હતું કે,તેઓ યુક્રેનને વધુ પ્રબળ રોકેટ અને વધુ પ્રમાણમાં યુદ્ધ સામગ્રી આપી તેને વધુ’યુદ્ધ સક્ષમ’બનાવશે.જો કે આ પૂર્વે તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે,અમે તેવા શસ્ત્રો નહી આપીએ જે રશિયા ઉપર હુમલો કરી શકે.વ્હાઇટ હાઉસના એક અધિકારીએ કહ્યું હતું કે નવા શસ્ત્રોમાં M142 હાઇ મોબીલીટી આર્ટિલરી રૉકેટ સિસ્ટમ (HIMARS) સામેલ કરાશે.જો કે,તેમણે સ્પષ્ટ કર્યું ન હતું કે તેની સંખ્યા કેટલી હશે.

આ સિસ્ટમ પૂર્વે પ્રદેશ ડૉનબાસમાં ગોઠવવામાં આવશે જ્યાં યુદ્ધ ધમાસાણ ચાલી રહ્યું છે.આથી આ સિસ્ટમનો ઉપયોગ રશિયન આર્ટિલરી એકમો ઉપર હુમલા કરવામાં વધુ કારગર રહેશે.આ નવી રોકેટ સિસ્ટમ યુક્રેનને પૂરી પાડવામાં આવનારી ૭૦ કરોડ ડોલરની સહાયનો હિસ્સો હશે,જેમા હેલિકોપ્ટરો,જ્વેલિન એન્ટિ-ટેન્ક સિસ્ટમ્સ,વ્યૂહાત્મક વાહનો, સ્પેરપાર્ટ્સનો સમાવેશ થાય છે.યુક્રેને અમેરિકાને ખાતરી આપી છે કે તે રશિયાના અંતરિયાળ વિસ્તારોમાં હુમલા નહી કરે તેનો ઉપયોગ ફક્ત તે તેના બચાવ માટે જ કરશે.યુક્રેન આ શસ્ત્રોનો ઉપયોગ રશિયા સામે ડોનબાસમાં કરે તેમ મનાય છે,જ્યાં હાલમાં સિયેવિયેરોડોનેત્સ્ક ખાતેની લડાઈ એકદમ તીવ્ર બની છે.વધુને વધુ પશ્ચિમી શસ્ત્રો આવીને યુક્રેનને મદદરુપ થાય તે પહેલા રશિયા માટે ડોનબાસ વિસ્તારનુંઆ શહેર કબ્જે કરવું જરુરી છે.ડોનબાસના લુહાંત્સ્ક વિસ્તારમાં યુક્રેનની અંકુશવાળી સરકારનું આ અંતિમ શહેર છે.આ શહેર રશિયન સરહદથી ૧૪૫ કિ.મી.દૂર છે.રશિયા સાથે યુદ્ધ શરુ થયા પછી અમેરિકા યુક્રેનને પાંચ અબજ ડોલરની યુદ્ધ સહાય પૂરી પાડી ચૂક્યું છે.

પશ્ચિમી રાષ્ટ્રો દ્વારા યુક્રેનને અપાતી સહાય અંગે રશિયાએ જણાવ્યું હતું કે તેઓ આગમાં ઘી રેડી રહ્યા છે.તેમની આ દખલગીરીના લીધે યુદ્ધ લાંબુ ચાલી રહ્યું છે.જો કે તેનું માનવું છે કે યુરોપ-અમેરિકાની સહાય આવે તે પૂર્વે તે ડોનબાસ વિસ્તાર કબ્જે કરી લેશે.યુક્રેનના પ્રમુખ વ્લાડીમીર ઝેલેન્સ્કીએ જણાવ્યું છે કે પશ્ચિમ તેમને સહાય પૂરુ પાડવામાં ઘણુ ધીમું છે.આ સંજોગોમાં અમારે અસ્તિત્વ ટકાવવું મુશ્કેલ થશે. તેમણે પશ્ચિમને વિનંતી કરી હતી કે તે યુક્રેનને મોકલવામાં આવતી સહાયની પ્રક્રિયા વધારે ઝડપી બનાવે.જ્યારે જર્મનીએ જણાવ્યું હતું કે તેમની મિસાઇલ સિસ્ટમ યુક્રેનના શહેરને રક્ષણ આપવા સક્ષમ છે.તેના લીધે યુક્રેનને ઘણી રાહત મળશે.તેનાથી રશિયાની આગેકૂચ અટકાવવામાં મદદ મળશે.

Share Now