તુર્કીએ રિજેક્ટ કરેલા ભારતીય ઘઉં ઈજિપ્તે હાથો-હાથ ખરીદ્યા

158

મુંબઈ : તુર્કીએ ભારતના જે ઘઉંને ખરાબ ગણાવીને પરત મોકલ્યા હતા તે ઘઉં હવે ઈજિપ્તે હાથો હાથ ખરીદી લીધા છે.ઉલ્લેખનીય છે કે,રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ઈજિપ્ત હાલ અનાજની તંગીનો સામનો કરી રહ્યું છે.ઘઉંના સૌથી મોટા આયાતકારો પૈકીનું એક ઈજિપ્ત,ભારત સહિત વિશ્વના અન્ય દેશો પાસેથી ઓછી કિંમતે ઘઉં ખરીદવા ઈચ્છે છે.એક અહેવાલ પ્રમાણે તુર્કીએ જે ઘઉંની ગુણવત્તા ખરાબ હોવાનું કહીને તેને સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો તેને ઈજિપ્ત મોકલી દેવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે,ભારતે ગત ૧૩ મેના રોજ ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મુકી દીધો હતો.જોકે તે પહેલા જ ભારતે તુર્કીને ૫૬,૦૦૦ ટન ઘઉંની નિકાસ કરવાની મંજૂરી આપી હતી.ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ ગુરૂવારે જણાવ્યું હતું કે,ઘઉંની ખેપ ભારતથી રવાના કરતા પહેલા ક્વોરેન્ટાઈન સહિતની અન્ય જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરી લેવામાં આવી હતી.પાંડેના કહેવા પ્રમાણે ઘઉંની ખેપ સ્વીકારવાનો ઈનકાર કરવા મુદ્દે હજુ સુધી તુર્કીના અધિકારીઓ સાથે કોઈ વાત નથી થઈ શકી.ઘઉંની આ ખેપ ભારતીય કંપની આઇટીસી લિમિટેડની હતી.તે કરાર માટેની નાણાકીય લેવડ-દેવડ પણ પૂરી થઈ ચુકી હતી.ભારતીય કંપનીએ આ ઘઉં એક વિદેશી કંપનીને વેચ્યા હતા અને ત્યાંથી ઘઉં તુર્કીની કંપની પાસે પહોંચ્યા હતા.એક અહેવાલ પ્રમાણે તુર્કીએ ભારતના ઘઉંમાં રૂબેલા વાયરસ મળી આવ્યો હોવાનું કારણ આપીને તેને પરત કરી દીધા હતા.ITCના પ્રવક્તાના કહેવા પ્રમાણે કંપનીએ આ ઘઉં નેધરલેન્ડની એક કંપનીને વેચ્યા હતા.ઘઉંની તપાસ અને તમામ પ્રકારની મંજૂરીઓ બાદ તે ખેપ મોકલવામાં આવી હતી.

Share Now