ઝ્વેરેવ ચાલુ મેચમાં ઈજાગ્રસ્ત બનીને ખસી જતાં નડાલ ફ્રેન્ચ ઓપનની ફાઈનલમાં

137

પેરિસ : તા.૩ : જર્મનીનો ત્રીજો સીડ ધરાવતો ૨૫ વર્ષીય ઝ્વેરેવ નડાલ સામેની ફ્રેન્ચ ઓપનની હાઈવોલ્ટેજ સેમિ ફાઈનલમાં ૭-૬ (૧૦-૮),૬-૬થી પાછળ હતો,ત્યારે ૧૨મી ગેમમાં તેનો પગ મચકોડાઈ જતાં ઈજાગ્રસ્ત બની ગયો હતો.ઝ્વેરેવને જમણા પગની એન્કલમાં ઈજા થઈ હતી અને તે દર્દની ચિત્કારતો કોર્ટ પર જ પડી ગયો હતો. તેને વ્હીલચેરમાં કોર્ટમાંથી બહાર લઈ જવામાં આવ્યો હતો.જોકે થોડી વાર પછી તે સ્ટીક્સને સહારે ચાલીને પાછો ફર્યો હતો.ઈજાના કારણે ફાઈનલમાં પ્રવેશવાની ગોલ્ડન તક ગુમાવનારો ઝ્વેરેવ નડાલને ભેટતાં રડી પડયો હતો અને આખરે તેણે સ્ટીકની મદદથી ચાલતાં-ચાલતાં ટેનિસ કોર્ટ છોડયો ત્યારે ચાહકોએ તેને બીરદાવ્યો હતો.જ્યારે ક્લે કોર્ટ કિંગ તરીકે ઓળખાતા નડાલે રેકોર્ડ ૧૪મી વખત ફ્રેન્ચ ઓપનની ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો.પ્રિ-ક્વાર્ટરમાં આલિયાસિમ સામે અને ક્વાર્ટરમાં યોકોવિચ સામે ચાર-ચાર કલાકથી વધુનો સંઘર્ષ ખેલનારો નડાલ હવે ૨૨માં ગ્રાન્ડ સ્લેમ ટાઈટલથી માત્ર એક જ જીત દૂર છે.તેણે કારકિર્દીની ૩૦મી ગ્રાન્ડ સ્લેમ ફાઈનલમાં પ્રવેશ પ્રાપ્ત કર્યો હતો.

Share Now