પનવેલમાં સસ્તામાં વૈભવી કારોના નામે 400 ગ્રાહકો સાથે 40 કરોડની છેતરપિંડી

90

મુંબઈ : મોંઘી અને વૈભવી કાર સસ્તામાં આપવાને નામે પનવેલમાં આવેલ એક શોરૃમના માલિક એવા બે જણે ૪૦૦ જેટલા ગ્રાહકો સાથે ૪૦ કરોડ રૃપિયાની છેતરપિંડી કરતા પોલીસે આ બન્નેની ધરપકડ કરી હતી.આ પ્રકરણે ૨૦૦થી વધુ લોકોએ ફરિયાદ કરતા પોલીસે આ કાર્યવાહી હાથ ધરી હતી.આ સંદર્ભે પોલીસે જણાવ્યું હતું કે ગોલ્ડન મોટર્સ શોરૃમના માલિક એવા આરોપી સંદિપ કંડાલકર ઉર્ફે સંતોષ વેંગુર્લેકર અને વિક્રમ તિલોરેએ કાર ખરીદવા ઈચ્છુક ગ્રાહકોને બીએમડબલ્યુ મર્સિડીઝ,રેન્જ રોવર અને ફોર્ચ્યુનર જેવા મોંઘી અને વૈભવી કાર કથિત રીતે સસ્તામાં આપવાને નામે તેમના પાસેથી પૈસા સ્વીકાર્યા હતા.

આ પ્રકરણે પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું હતું કે આ બન્ને આરોપીઓએ શરૃઆતમાં અમુક મોંઘીદાટ કાર ભાડે લીધી હતી.આ કાર તેમણે કાર ખરીદવા ઈચ્છુક ગ્રાહકોને દેખાડી હતી અને ચારથી પાંચ દિવસમાં આ કારની ડિલીવરી આપવાને નામે પેમેન્ટ પણ સ્વીકાર્યા હતા.ત્યારબાદ વિવિધ કારણો દર્શાવી બુક કરેલ કારની ડિલીવરી ઠેલવાનું ચાલુ રાખ્યું હતું.આ લોકોએ આ રીતે લગભગ ૪૦૦ ગ્રાહકો સાથે છેતરપિંડી આચરી હોઈ છેતરપિંડીની કુલ રકમ ૪૦ કરોડ જેટલી થાય છે તેવું પોલીસનું માનવું છે.આ લોકો સામે નવી મુંબઈના વિવિધ પોલીસ સ્ટેશનોમાં છેલ્લા બે વર્ષમાં ગણી ફરિયાદો નોંધાઈ હોવાનું પોલીસનું કહેવું છે.આ બન્ને સતત તેમના મોબાઈલ નંબર બદલતા રહેતા તેમજ લોકોથી બચવા સરનામુ પણ બદલતા રહેતા.આ લોકોએ અમુક પોલીસ અધિકારીઓ સાથે પણ છેતરપિંડી આચરી હોવાનું પોલીસનું કહેવું છે.આ બન્ને આરોપીની બુધવારે વહેલી સવારે કર્જત પાસેના કળંબલી ધરપકડ કરવામાં આવી હતી.બન્નેને કોર્ટમાં હાજર કરતા ૧૪ જૂન સુધીની પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી છે.

Share Now