ATFના ભાવમાં 16 ટકા વધારો : વિમાની સફર મોંઘી થશે

108

નવી દિલ્હી : ક્રૂડના વૈશ્વિક ભાવ ઘણા સમયથી ૧૨૦ ડોલરની આસપાસ ચાલી રહ્યા છે ત્યારે હવાઇ ઇંધણના ભાવમાં ગુરુવારે ૧૬ ટકાનો વધારો નોંધાયો છે.દિલ્હીમાં એવિએશન ટર્બાઇન ફ્યુઅલ(એટીએફ)નો ભાવ પ્રતિ કિલોલિટર ~૧૯,૭૫૭.૧૨ અથવા ૧૬.૨૬ ટકાની વૃદ્ધિ સાથે ~૧,૪૧,૨૩૨.૮૭ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે.

એટીએફના ઊંચા ભાવને પગલે હવાઇ સફર પણ મોંઘી થવાની આશંકા છે.એરલાઇનના સંચાલન ખર્ચમાં લગભગ ૪૦ ટકા હિસ્સો ઇંધણનો છે.એટલે એટીએફના ભાવમાં વૃદ્ધિથી ઉડ્ડયન ખર્ચ અને હવાઇ ભાડાંમાં પણ વધારો થવાનું લગભગ નિશ્ચિત છે.સ્પાઇસજેટના એમડી અજય સિંઘે જણાવ્યું હતું કે,હવાઇ ભાડાંમાં ઓછામાં ઓછો ૧૦-૧૫ ટકા વધારો થઈ શકે.તેમણે કહ્યું હતું કે,“જૂન ૨૦૨૧થી એટીએફના ભાવમાં ૧૨૦ ટકાથી વધુ વૃદ્ધિ થઈ છે.આટલો મોટો ઉછાળો પોસાય તેમ નથી.કેન્દ્ર અને રાજ્ય સરકારોએ એટીએફ પર ટેક્સ ઘટાડવા તાકીદે પગલાં લેવા જોઇએ.”

ઉલ્લેખનીય છે કે,ચાલુ વર્ષની શરૂઆતથી એટીએફના ભાવ ૧૧ વખત વધ્યા છે અને છ મહિનામાં લગભગ બમણા થયા છે. પહેલી જાન્યુઆરીથી હવાઇ ઇંધણના ભાવ ૯૧ ટકા અથવા પ્રતિ કિલોલિટર ~૬૭,૨૧૦.૪૬ વધ્યા છે.પહેલી જાન્યુઆરીએ તેનો ભાવ પ્રતિ કિલોલિટર ~૭૪,૦૨૨.૪૧ હતો અને હવે તે ~૧,૪૧,૨૩૨.૮૭ છે.ગુરુવારે બ્રેન્ટ ક્રૂડનો ભાવ બેરલ દીઠ ૧૧૯-૧૨૦ ડોલરની રેન્જમાં હતો. મુંબઇમાં એટીએફનો ભાવ હવે પ્રતિ કિલોલિટર ~૧,૪૦,૦૯૨.૭૪, કોલકાતામાં ~૧,૪૬,૩૨૨.૨૩ અને ચેન્નાઇમાં ~૧,૪૬,૨૧૫.૮૫ છે.જોકે,પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘણા સમયથી કોઇ ફેરફાર થયો નથી.

Share Now