નવી દિલ્હી : ઉત્તરપૂર્વમાં ચોમાસાના ભારે વરસાદ વચ્ચે બુધવારે સવારે 8.30 વાગ્યે સમાપ્ત થયેલા 24 કલાકમાં મેઘાલયના ચેરાપુંજીમાં 811.6 મીમી(આશરે 32 ઈંચ)વરસાદ નોંધાયો હતો,જે 1995 પછીનો સૌથી વધુ વરસાદ છે.ભારતીય હવામાન વિભાગે(IMD)આ માહિતી આપી હતી.હવામાન વિભાગના આંકડા અનુસાર ચેરાપુંજી, વિશ્વના સૌથી વધુ વરસાદી સ્થળોમાંનું એક છે. જૂનના એક દિવસમાં 750 મીમીથી વધુ વરસાદ માત્ર 10 વખત નોંધાયો છે.પૂર્વમાં ગાઢ પર્વતીય વિસ્તારમાં આવેલા આ શહેરમાં 16 જૂન,1995ના રોજ 1563.3 મીમી વરસાદ થયો હતો.તેના આગલા દિવસે 15 જૂન 1995ના રોજ 930 મીમી વરસાદ નોંધાયો હતો.
દરમિયાનમાં,હવામાન કચેરીએ જણાવ્યું હતું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું બુધવારે મહારાષ્ટ્ર,કર્ણાટક,તમિલનાડુ અને તટીય આંધ્ર પ્રદેશના કેટલાક વધુ ભાગોમાં આગળ વધ્યું છે.તેમાં જણાવવામાં આવ્યું છે કે ભારે વરસાદની આ પ્રક્રિયા ઉત્તરપૂર્વ અને ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં આગામી પાંચ દિવસ સુધી ચાલુ રહેવાની ધારણા છે.હવામાન કચેરીએ જણાવ્યું હતું કે “બંગાળની ખાડીમાંથી નીચલા ટ્રોપોસ્ફિયરમાં મજબૂત દક્ષિણ પશ્ચિમી પવનો અને મધ્ય ટ્રોપોસ્ફિયરમાં પશ્ચિમી પવનના નીચા દબાણને કારણે,15મી જૂને અરુણાચલ પ્રદેશમાં,15મી અને 16મી જૂને આસામ અને મેઘાલયમાં અને 17મી જૂન સુધી ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની સંભાવના છે.