નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધીની ચોથા દિવસે પૂછપરછ જારી

112

નવી દિલ્હી : નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ચોથા દિવસે ઈડીના અધિકારીઓ સમક્ષ હાજર થયા છે.રાહુલ ગાંધીની પૂછપરછ માટે તેમને ઈડી કચેરીએ બોલાવ્યા છે.દરેક વખતની જેમ આ વખતે પણ તેમના બહેન અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા તેમની સાથે હાજર છે.સોમવારે રાહુલ ગાંધી ચોથી વખત ઈડીની કચેરીએ પહોંચ્યા છે.અહીં ઈડીના અધિકારીઓ કેસ સંલગ્ન કેટલાક સવાલ-જવાબ કરશે.અગાઉ 15,16 અને 17 જૂને રાહુલ ગાંધીની પૂછપરછ કરવામાં આવી હતી.પ્રાપ્ત વિગતો મુજબ અત્યાર સુધીમાં ઈડીએ રાહુલ ગાંધીની 30 કલાક પૂછપરછ કરી છે.

નેશનલ હેરાલ્ડ કેસ સંલગ્ન કથિત મની લોન્ડરિંગ કેસમાં ઈડીની ટીમ રાહુલ ગાંધીની પૂછપરછ કરી રહી છે.રાહુલ ગાંધી સોમવારે 11.05 વાગ્યે સીઆરપીએફની ઝેડ પ્લસ સુરક્ષા સાથે ઈડીની ઓફિસે પહોંચ્યા હતા.રાહુલ ગાંધીની પૂછપરછને પગલે ઈડી કચેરીની ચોતરફ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.આ ઉપરાંત આ વિસ્તારમાં કલમ 144 પણ લાગુ કરવામાં આવી છે.ઈડીએ આ કેસમાં અગાઉ ગત સપ્તાહે ત્રણ દિવસ સુધી કોંગ્રેસના નેતાની પૂછપરછ કરી હતી.ત્રણેય દિવસ કોંગ્રેસના કાર્યકરો વિરોધ પ્રદર્શન સાથે રસ્તા પર ઉતર્યા હતા અને ચક્કાજામ કર્યો હતો.કોંગ્રેસના કાર્યકરોએ ઈડી દ્વારા રાહુલ ગાંધીની પૂછપરછનો વિરોધ કર્યો હતો.દિલ્હી પોલીસ પણ એલર્ટ મોડમાં છે અને દિલ્હીના તમામ મહત્વના ભાગમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

દરમિયાન કોંગ્રેસ મોટાપાયે વિરોધ પ્રદર્શનની તૈયારીમાં છે.ઈડીની કાર્યવાહીના કડક વિરોધ માટે મોટી સંખ્યામાં કોંગ્રેસી નેતાઓ દિલ્હીમાં એકત્ર થઈ રહ્યા છે.બીજીતરફ અગ્નિપથ યોજનાના વિરોધમાં પણ કોંગ્રેસ સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન યોજવાની તૈયારી કરી રહ્યું છે.દિલ્હીના ટ્રાફિક પોલીસ દ્વારા એક એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.કોંગ્રેસનું એક પ્રતિનિધિમંડળ આજે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરે તેવી શક્યતા છે.

Share Now