આ છે એ ‘અબ્બાસ’ જેમને માતાના જન્મદિન પર PM મોદીએ કર્યા હતા યાદ

108

– તેમને બે દીકરાઓ છે જેમાં નાનો દીકરો ઓસ્ટ્રેલિયા જ્યારે મોટો દીકરો ગુજરાતના કેસીંપા ગામમાં રહે છે

અમદાવાદ, તા. 19 જૂન 2022, રવિવાર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુસ્લિમ મિત્ર ‘અબ્બાસ’ વિશે સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચા જામી છે.ઉલ્લેખનીય છે કે, ગત રોજ (તા. 18 જૂન) વડાપ્રધાને પોતાના માતા હીરાબાના 100મા જન્મદિન પર લખેલા બ્લોગમાં અબ્બાસનો ઉલ્લેખ કર્યો હતો.

તેમણે લખ્યું હતું કે, બાળપણમાં અબ્બાસ એક રીતે અમારા ઘરે રહીને જ ભણ્યો.અમે સૌ બાળકોની સાથે માતા અબ્બાસની પણ ખૂબ જ સંભાળ રાખતી હતી.ઈદ વખતે માતા અબ્બાસ માટે તેને ભાવતા ભોજન બનાવતી હતી.જાણવા મળ્યા મુજબ વડાપ્રધાન મોદીએ જે અબ્બાસનો ઉલ્લેખ કર્યો હતો તે હાલ ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં પોતાના નાના દીકરાની સાથે રહે છે.

તેમને બે દીકરાઓ છે જેમાં નાનો દીકરો ઓસ્ટ્રેલિયા જ્યારે મોટો દીકરો ગુજરાતના કેસીંપા ગામમાં રહે છે.તેઓ સરકારમાં ક્લાસ-2 કર્મચારી તરીકે કામ કરતા હતા.તેઓ ફુડ એન્ડ સપ્લાય વિભાગમાં હતા અને થોડા મહિના પહેલા જ નિવૃત્ત થયા હતા.

( અબ્બાસ’ભાઈના આ ઘરમાં હાલ તેમનો મોટો દીકરો રહે છે )

વડાપ્રધાને પોતાના બ્લોગમાં અબ્બાસનો ઉલ્લેખ કરીને લખ્યું હતું કે, ‘મા હંમેશા બીજાને ખુશ જોઈને ખુશ રહ્યા કરે છે.ઘરમાં જગ્યા ભલે ઓછી હોય પરંતુ તેમનું દિલ ખૂબ મોટું છે.અમારા ઘરથી થોડે દૂર એક ગામમાં મારા પિતાના ખૂબ અંગત મુસ્લિમ મિત્ર રહેતા હતા.તેમના દીકરાનું નામ અબ્બાસ હતું.’

‘પિતા અબ્બાસને ઘરે લાવ્યા હતા’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના બ્લોગમાં આગળ લખ્યું હતું કે, દોસ્તના અણધાર્યા મૃત્યુ બાદ પિતાજી અસહાય અબ્બાસને અમારા ઘરે જ લઈ આવ્યા હતા.એક રીતે અબ્બાસ અમારા ઘરે રહીને જ ભણ્યો.મા અમારા સૌ બાળકોની સાથે અબ્બાસની પણ ખૂબ સંભાળ રાખતી.ઈદ વખતે મા અબ્બાસ માટે તેની પસંદના પકવાન બનાવતી હતી.એટલું જ નહીં, તહેવારો વખતે આજુબાજુના કેટલાક બાળકો અમારા ઘરે આવીને જ ભોજન કરતા હતા.તેમને પણ મારી માતાના હાથે બનાવેલું ભોજન ખૂબ પસંદ હતું.

માતા બાળકો માટે શું ઈચ્છતા તેનો પણ ઉલ્લેખ

વધુમાં લખ્યું હતું કે, ‘અમારા ઘરની આજુબાજુ જ્યારે પણ કોઈ સાધુ-સંત આવે ત્યારે મા તેમને ઘરે બોલાવીને ભોજન અવશ્ય કરાવતી.તેઓ જ્યારે વિદાય લેતા ત્યારે માતા પોતાના માટે નહીં પરંતુ અમારા ભાઈ-બહેનો માટે આશીર્વાદ માગતી હતી. તેમને કહેતી કે, મારા સંતાનોને આશીર્વાદ આપો કે તેઓ બીજાના સુખમાં સુખ જુએ અને બીજાના દુખમાં દુખી થાય.મારા બાળકોમાં ભક્તિ અને સેવાભાવ જન્મે તેવા આશીર્વાદ આપો તેમને.’

Share Now