હાલ અપ્રિય લાગતાં સુધારા દેશ હિતમાંઃ મોદી

108

બેંગ્લુરૂ : દેશભરમાં અગ્નિપથ યોજના મામલે ચાલી રહેલા વિવાદ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલી વખત ચુપકીદી તોડી છે.તેમણે કહ્યું છે કે,ઘણી વખત કેટલાક નિર્ણયો અને સુધારા તમને કામચલાઉ રીતે સારા ના લાગે પરંતુ સમય જતા દેશને તેના લાભો દેખાશે.હાલમાં જ્યારે આખા દેશમાં અગ્નિપથ યોજના મામલે વિરોધ ચાલી રહ્યાં છે ત્યારે નરેન્દ્ર મોદીની આ ટીપ્પણી નોંધપાત્ર મનાય છે.જોકે તેમણે અગ્નિપથ યોજના કે તેના વિરોધમાં થઈ રહેલી હિંસાનો સીધો ઉલ્લેખ કરવાનું ટાળ્યું હતું.

સેનાની આ નવી રિક્રુટમેન્ટ સ્કીમ સામેના વિરોધ પ્રદશનો પાંચમાં દિવસે પણ દેશના અનેક વિસ્તારોમાં યથાવત્ રહ્યાં હતાં.અગાઉ તેમણે એક ઇવેન્ટમાં કહ્યું હતું કે,આ દેશનું દુર્ભાગ્ય છે કે,સારા હેતુથી લાવવામાં આવેલી અનેક સારી બાબતોને રાજકીય રંગમાં ભેળવી દેવાય છે.મીડિયા પણ ટીઆરપીની પળોજણના કારણે તેમા સંડોવાઇ જાય છે.ડબલ એન્જીનની સરકારની સિધ્ધી અને તેના હેઠળ વિકાસની ગતિનો ઉલ્લેખ કરતા મોદીએ રાજ્યના લોકોના આશિર્વાદ લીધા હતા અને તેને પોતાની સૌથી મજબુત તાકાત ગણાવી હતી.કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભાન ચૂંટણી થવાની છે ત્યારે મોદીની આ યાત્રા તે દિશામાં સુચક માનવામાં આવી રહી છે.બેંગ્લુરુમાં પોતાના સંબોધનમાં મોદીએ કહ્યું હતું કે,સ્ટાર્ટપ અને ઇનોવેશનની ગતી સરળ નથી હોતી અને દેશને આ માર્ગ ઉપર આઠ વર્ષ સુધી લઇ જવું સરળ નથી.કેટલાક નિર્ણયો અને સુધારા કામચલાઉ રીતે આકરા લાગી શકે પરંતુ સમય જતા દેશને તેના લાભો મળતા જોઇ શકાય છે.

વિવિધ વિકાસલક્ષી કામો માટેનો પાયો નાંખતા મોદીએ કહ્યું હતું કે,એકલા સુધારાનો માર્ગ નવા લક્ષ્યાંકો અને નવી પ્રતિબધ્ધતા સુધી લઇ જઇ શકે છે.બેંગ્લુરુએ બતાવી દીધુ છે કે,જો સરકાર સવલતો આપે અને નાગરીકોના જીવનમાં ઓછી દરમિયાનગીરી કરે તો યુવાનો ઘણું બધુ હાંસલ કરી શકે તેમ છે.મોદીએ ઉમેર્યું હતું કે,બેંગ્લુરુએ યુવાનોના સપનાનું શહેર છે.તેની પાછળનું મુખ્ય કારણ ઉદ્યોગ સાહસિકતા, નવીનીકરણ અને જાહેર તેમ જ ખાનગી ક્ષેત્રનો યોગ્ય ઉપયોગ છે.

આઠ વર્ષમાં લોકોએ તેમની વિકાસલક્ષી પ્રવૃત્તિઓમાં વિશ્વાસ મુક્યો છે તેમ જણાવતા મોદીએ કહ્યું હતું કે,આજે મે~27 હજાર કરોડના પ્રોજેક્ટોનું ઉદ્યાટન કર્યું છે.જેનાથી ઉચ્ચ શિક્ષણ,આરોગ્ય,કૌશલ્ય વિકાસ અને માળખાકીય પ્રવૃત્તિઓ જેવા વિકાસના વિવિધ પરીપ્રેક્ષ ગણાતા ક્ષેત્રોને પ્રોત્સાહન આપશે.ત્યારબાદ મોડી સાંજે મોદી મૈસુરૂ જવા માટે નિકળ્યા હતા.જ્યાં તેમણે મહારાજા કોલેજ ગ્રાઉન્ડ ખાતે નવા કોચિંગ કોમ્પલેક્ષ માટે પાયાના પથ્થર નાંખ્યા હતા અને સેન્ટર ફોર એક્સેલેન્સ એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યુટ ઓફ સ્પીચ એન્ડ હિયરીંગ દેશને સમર્પિત કર્યું હતું.આ ઉપરાંત તેમણે આજ સ્થળે સરકારી સ્કીમના લાભાર્થીઓ સાથે ચર્ચા પણ કરી હતી.તેમના સંબોધનમાં મોદીએ ઉમેર્યું હતું કે,કર્ણાટકમાં તેમની ડબલ એન્જીનની સરકાર સબકા સાથ સબકા વિકાસ,સબકા વિશ્વાસની ખાત્રી સાથે સંપૂર્ણ ઉર્જાથી ખભેથી ખભા મિલાવી કામ કરી રહી છે.

Share Now