નકલી ક્રિપ્ટો એક્સચેન્જથી ભારતીય રોકાણકારોને રૂ. ૧,૦૦૦ કરોડનો ચૂનો

113

નવી દિલ્હી : વૈશ્વિક પરિબળોના પગલે ક્રિપ્ટોકરન્સીમાં હાલ ભારે મંદી ચાલી રહી છે અને રોકાણકારોના કરોડો રૂપિયા ડૂબી ગયા છે ત્યારે નકલી ક્રિપ્ટો કરન્સી એક્સચેન્જ પણ સામે આવ્યું છે,જ્યાં રોકાણકારો સાથે છેતરપિંડી આચરવામાં આવી અને આ એક્સચેન્જમાં ભારતીયોએ અંદાજે રૂ.૧,૦૦૦ કરોડ ગુમાવ્યા છે.

સાઈબર સિક્યોરિટી કંપની ક્લાઉડએસઈકેએ કહ્યું કે,નકલી ક્રિપ્ટો કરન્સી એક્સચેન્જના અનેક ડોમેન્સ અને એન્ડ્રોઈડ આધારિત ફેક ક્રિપ્ટો એપની ઓળખ કરવામાં આવી છે,જ્યાં આ પ્રકારના નકલી કેમ્પેનમાં મોટાપાયા પર છેતરપિંડી કરાય છે.ક્રિપ્ટો એક્સચેન્જના નામે એક નવી નકલી વેબસાઈટ કોઈનએગ(CoinEggg)બનાવાઈ છે,જે યુકે આધારિત ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ છે.રોકાણકારોને આ પ્લેટફોર્મ પર રોકાણ કરવા માટે અનેક પ્રકારની લાલચ અપાય છે.

નકલી ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જનો ભોગ બનેલી એક વ્યક્તિએ ક્લાઉડએસઈકેનો સંપર્ક કર્યો હતો અને દાવો કર્યો હતો કે તેને નકલી ક્રિપ્ટો કરન્સીમાં ૫૦ લાખ રૂપિયાનું નુકસાન થયું છે.ક્લાઉડસેકના સંસ્થાપક અને સીઈઓ રાહુલ સસીએ કહ્યું કે ક્રિપ્ટો કૌભાંડની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.આ બાબતોમાં નકલી ડોમેન મારફત એકદમ અસલી જેવી વેબસાઈટ બનાવાય છે.ત્યાર પછી ક્રિપ્ટો ટ્રેડિંગ માટે આમંત્રણ અપાય છે.

આ પ્રકારની બાબતોમાં હુમલાખોર પીડિતનો સંપર્ક કરે છે.ત્યાર પછી મિત્રતાનો સંદેશ મોકલવામાં આવે છે અને પછી ક્રિપ્ટો માર્કેટમાં રોકાણ માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.ક્રિપ્ટો માર્કેટમાં રોકાણ માટે લાલચ તરીકે ૧૦૦ ડોલરનું ઈનામ પણ અપાય છે.આ રીતે નકલી ક્રિપ્ટો બજારમાં રોકાણની સલાહ અપાય છે.પ્રારંભિક ફાયદા પછી સારા રિટર્નનું વચન આપીને રોકાણકાર પાસે મોટું રોકાણ કરવાની સલાહ અપાય છે.ત્યાર પછી તેની સાથે છેતરપિંડી આચરવામાં આવે છે.

Share Now