આ દાન સંચાલન અદાણી ફાઉન્ડેશન દ્વારા આરોગ્ય,શિક્ષણ અને સ્કીલ ડેવલપમેન્ટ જેવાં ક્ષેત્રોમાં કરવામાં આવશે ગૌતમ અદાણીના ૬૦મા જન્મદિન નિમિત્તે એશિયાના સૌથી સમૃદ્ધ વ્યક્તિ તેમ જ એના પરિવાર તરફથી સામાજિક કલ્યાણ માટે ૬૦,૦૦૦ કરોડ રૂપિયાનું દાન આપવાની ઘોષણા કરી છે.ગઈ કાલે એક ઇન્ટરવ્યુમાં અદાણીએ કહ્યું હતું કે આ દાન સંચાલન અદાણી ફાઉન્ડેશન દ્વારા આરોગ્ય,શિક્ષણ અને સ્કીલ ડેવલપમેન્ટ જેવાં ક્ષેત્રોમાં કરવામાં આવશે.દેશના કૉર્પોરેટ ઇતિહાસમાં આ સૌથી મોટું દાન છે.વળી આ દાન તેમના પિતા શાંતિલાલ અદાણીના જન્મ શતાબ્દી વર્ષ માટે તેમની પ્રતિબદ્ધતાનું પણ સમ્માન કરે છે.
આજે ગૌતમ અદાણી ૬૦ વર્ષના થશે.આટલા મોટા દાન દ્વારા તે અન્ય અબજોપતિ માર્ક ઝકરબર્ગ અને વૉરન બફેટની હરોળમાં જોડાઈ જશે,જેમણે તેમની સંપત્તિનો મોટો હિસ્સો પરોપકારી પ્રવૃત્તિ માટે ખર્ચ કર્યો હતો.અદાણીની કુલ સંપત્તિ ૯૨ બિલ્યન ડૉલર એટલે કે ૭૧૯૦ અબજ રૂપિયામાં છે,જેમાં આ વર્ષે ૧૫ બિલ્યન ડૉલર એટલે કે ૧૧૭૨ અબજ રૂપિયાનો વધારો થયો છે.અદાણીએ વધુમાં કહ્યું હતું કે આરોગ્ય,શિક્ષણ અને સ્કીલ ડેવલપમેન્ટ જેવા ક્ષેત્રમાં દાનની ફાળવણી માટે અમે આગામી મહિનામાં ત્રણ નિષ્ણાત સભ્યોની સમિતિ પણ બનાવીશું,જેમાં અદાણી પરિવારના સભ્યો સહાયક ભૂમિકામાં હશે.અદાણી ગ્રુપે ૧૯૮૮માં એક નાના ઍગ્રી ટ્રેડિંગ ગ્રુપથી શરૂઆત કરી હતી,જે હવે કોલસો,ખાણ,લૉજિસ્ટિક્સ,પાવર જનરેશન અને વિતરણમાં વિસ્તરેલું છે.તાજેતરમાં ગ્રીન એનર્જી,ઍરપોર્ટ,ડેટા સેન્ટર અને સિમેન્ટ જેવા ક્ષેત્રમાં પણ પગપેસારો કર્યો છે.