સુરત : ભાજપના સદસ્યતા અભિયાન માટે સંકલન બેઠકમાં સુરત આવેલા પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ અભિયાનમાં નબળી કામગીરી અંગે નેતા-કાર્યકરોની ઝાટકણી કાઢીને શબ્દોને દરગુજર કરશો તેમ કહ્યું હતું.પણ છેલ્લે કોઇને ખોટું લાગે તો થાય એ કરી લેજો એમ કહી દેતા કાર્યકરોમાં રોષ ફેલાયો છે.સદસ્યતા અભિયાન અંતર્ગત શહેર ભાજપ કાર્યાલય પર યોજાયેલી બેઠકમાં શહેર ભાજપ સંગઠન,તમામ કોપીરેટરો,હોદ્દેદારો હતા.
જેમાં પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાધેલાએ ઉદ્દબોધનમાં,તમે પ્રદેશ અધ્યક્ષના શહેરમાં છો,મુખ્યમંત્રી પણ સદસ્યતા માટે કામગીરી કરતા હોય ત્યારે તમે લોકો સારી રીતે કામગીરી કેમ કરતા નથી?તેમ સવાલ કરી કાર્યકરો,હોદ્દેદારો,કોર્પોરેટરોની ઝાટકણી કાઢી હતી.ત્યારબાદ જોકે કહ્યું હતું કે,મારી ઉંમર નાની છે તેમ છતાં પણ જો મારાથી કંઈ વધારે બોલાઈ ગયું હોય તો દરગુજર કરજો.અને ત્યારબાદ પણ જો કોઇને ખોટું લાગે તો થાય એ કરી લેજો.
સ્ટેજ પરથી બોલાયેલા આ શબ્દોને પગલે ઉપસ્થિત તમામ સ્તબ્ધ થઇ ગયા હતા.પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પણ જાહેરમાં આવી રીતે વાત કરી નથી ત્યારે યુવા ભાજપમાંથી સીધા પ્રદેશ મહામંત્રી બનેલા પ્રદિપસિંહ વાઘેલાના શબ્દોની નારાજ અનેક કાર્યકોર ખુરશી છોડી જતા રહ્યા હતા.સ્ટેજ પરથી નેતાઓએ આ કાર્યકરોને રોકવા પ્રયાસ કર્યો પણ નિષ્ફળ રહ્યો હતો.ઉલ્લેખનીય છે કે,સ્ટેજની નીચે પહેલી હરોળમાં જનસંઘથી જોડાયેલા નેતાઓ બેઠા હતા તે પણ અચરજ પામ્યા હતા.ત્યારબાદ પ્રદિપસિંહ ફરી સ્ટેજ પર આવ્યા ત્યારે તેઓ માફી માંગશે તેમ લાગતું હતું પણ તેમ કર્યું નહોતું એટલે કાર્યકરોમાં રોષની લાગણી છે.