રાષ્ટ્રપતિની ચૂંટણીઃ માયાવતીએ NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને આપ્યું સમર્થન

126

લખનૌ : તા.25 જૂન 2022,શનિવાર : આગામી તા.24 જુલાઈના રોજ વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ સમાપ્ત થવા જઈ રહ્યો છે.ત્યારે તે પહેલા જ દેશના 15મા રાષ્ટ્રપતિને ચૂંટી લેવામાં આવશે.રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ભાજપના નેતૃત્વવાળા રાષ્ટ્રીય લોકશાહી જોડાણે(NDA)દ્રોપદી મુર્મૂને ઉમેદવાર બનાવ્યા છે.ભાજપના આદિવાસી કાર્ડના કારણે વિપક્ષી દળો પણ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સમર્થન મુદ્દે અવઢવમાં મુકાયા છે.મૂળે ઓડિશાના આદિવાસી નેતા દ્રોપદી મુર્મૂએ વિપક્ષમાં ખળભળાટ મચાવી દીધો છે.

આ બધા વચ્ચે બહુજન સમાજ પાર્ટી(બસપા)ના પ્રમુખ માયાવતીએ દ્રૌપદી મુર્મૂને સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે.બસપા પ્રમુખ માયાવતીએ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ ખાતેથી જાહેરાત કરી હતી કે,’અમે રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને સમર્થન આપવાનો નિર્ણય લીધો છે.’આ સાથે જ માયાવતીએ એનડીએના ઉમેદવારને સમર્થન મામલે જે સવાલો થઈ શકે તેના જવાબો પણ આપ્યા હતા.માયાવતીએ જણાવ્યું હતું કે,’અમે આ નિર્ણય ભાજપ કે એનડીએના પક્ષમાં પણ નહીં અને વિપક્ષના વિરોધમાં પણ નથી લીધો.આ નિર્ણય અમે અમારી પાર્ટી અને આંદોલનને ધ્યાનમાં રાખીને જ લીધો છે.’

ઉલ્લેખનીય છે કે,બસપા દલિત મૂવમેન્ટમાંથી ઉપજેલી પાર્ટી છે.પાર્ટીની બેઝિક વોટ બેંક પણ દલિતો જ છે.એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ આદિવાસી સમુદાયમાંથી આવે છે.આ કારણે બસપા પણ અવઢવમાં મુકાઈ હતી કે,દ્રૌપદી મુર્મૂનું સમર્થન કરે કે,વિપક્ષી દળોના ઉમેદવાર યશવંત સિંહાનું.

Share Now