કચરામાં ફિક્સિંગ, દાઝી છે સોસાયટી

116

મુંબઈ : કાંદિવલીની મહાવીરનગર સોસાયટીના રહેવાસીઓનો કચરો ઉપાડવાની સુધરાઈએ ના પાડી દીધી છે.સુધરાઈનું કહેવું છે કે જો કચરો ૧૦૦ કિલો કરતાં વધુ હોય તો એવા સંજોગોમાં સોસાયટીએ આ કચરાનો નિકાલ જાતે જ કરવો અથવા પ્રાઇવેટ કૉન્ટ્રૅક્ટર દ્વારા કરાવવો જોઈશે.સોસાયટીના સભ્યોના મતે સુધરાઈ અને પ્રાઇવેટ કૉન્ટ્રૅક્ટરોની સાઠગાંઠ છે,જેને લીધે તેમને દર મહિને ૧.૫૦ લાખ રૂપિયા ચૂકવવા પડશે.વસંત આરાધના બી-સી-ડી કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીના સભ્યોએ આરોપ મૂક્યો છે કે કચરો ભેગો કરવાનું બંધ કરતાં પહેલાં સુધરાઈએ કચરાનું વજન પણ નથી કર્યું.તેમણે જાતે વજન કર્યું તો એ ૬૫ કિલો થાય છે.આ વિશે સૉલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટને પણ કાગળ લખ્યો હતો,પણ એનો કોઈ ફાયદો થયો નથી.કચરાનો ઢગલો વધી જતાં સોસાયટી પાસે દર મહિને ૧૦થી ૧૫ હજાર રૂપિયા ખર્ચીને કચરાનો નિકાલ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

વસંત આરાધના બી-સી-ડી સોસાયટીના સેક્રેટરી દીપક પટેલે કહ્યું કે‘સુધરાઈએ કચરો ઉપાડવાની ના પાડતાં અમે દર મહિને ૧૨,૦૦૦ રૂપિયા ખર્ચીને પ્રાઇવેટ કૉન્ટ્રૅક્ટર રાખ્યો છે.અમારી સોસાયટીમાંથી કચરો ભેગો કરવા એસડબ્લ્યુએમ ડિપાર્ટમેન્ટ દ્વારા જ પ્રાઇવેટ વેન્ડરને મોકલવામાં આવ્યો છે.તેમનો રેટ ફ્લૅટ​દીઠ ૨૬૦ રૂપિયા હતો.આમ દર મહિને અમારી સોસાયટીએ ૨૪,૪૪૦ રૂપિયા ખર્ચવા પડે છે.ઘણી માથાકૂટ બાદ એ ઘટાડીને ૧૨,૦૦૦ તેમ જ હાલમાં ૧૧,૦૦૦ રૂપિયા કર્યા છે..’સોસાયટીના ચૅરમૅન ચંદ્રકાંત મહેતાએ કહ્યું કે સુધરાઈ દ્વારા મોકલવામાં આવેલા પ્રાઇવેટ વેન્ડરનો કોઈ ફિક્સ રેટ નથી,પરંતુ અમારી પાસે પણ કોઈ વિકલ્પ નથી.સોસાયટીના ટ્રેઝરર તુષાર સંઘવીએ કહ્યું કે અમારી સોસાયટીનું નિર્માણ ૧૯૯૬માં થયું અને સુધરાઈએ તાજેતરમાં નિયમ બનાવ્યો.કચરાના નિકાલ માટેનું ૧૨થી ૧૫ લાખનું મશીન અમને પરવડી શકે એમ નથી.વળી,અમારે આ મશીન ચલાવવા માટે પણ એક માણસ રાખવો પડે.અન્ય સોસાયટીને પણ આવી જ સમસ્યા છે.

કૉર્પોરેટર શું કહે છે?મહાવીરનગરનાં બીજેપીનાં કૉર્પોરેટર પ્રતિભા ગિરકરે કહ્યું કે‘કચરો એકઠો કરવાથી લઈને ઘણી સમસ્યા કાંદિવલીના રહેવાસીઓ સહન કરી રહ્યા છે.૧૦૦ કિલો કરતાં ઓછો કચરો ધરાવનાર સોસાયટી પણ સહન કરી રહી છે.સુધરાઈના અધિકારીઓ સાથે અમે વાતચીત કરીશું અને જરૂર પડશે તો વિરોધ પણ કરીશું.’

Share Now