ગુજરાતી દિવ્યાંગ સ્ટુડન્ટને આખરે ન્યાય મળ્યો

99

ક્રિષ્ણા શેઠને માનસિક ત્રાસ આપનાર કાંદિવલીના સ્કૂલના પ્રિન્સિપાલ અને ટ્રસ્ટી સામે ફરિયાદ નોંધાઈ કાંદિવલીસ્થિત એક સ્કૂલના પ્રિન્સિપાલ અને ટ્રસ્ટી સામે ગઈ કાલે એક ગુજરાતી દિવ્યાંગ વિદ્યાર્થી પ્રત્યેના કથિત અત્યાચારી વર્તન બદલ કેસ દાખલ કરવામાં આવ્યો છે,જેની પર્સેન્ટાઇલ બંને આરોપીઓ દ્વારા કથિત માનસિક ઉત્પીડનને કારણે ઘટી ગયા છે ૧૬ વર્ષની ક્રિષ્ણા શેઠની આન્ટી તરલિકા મહેતાએ કાંદિવલી પોલીસમાં સ્વામી વિવેકાનંદ ઇન્ટરનેશનલ સ્કૂલ (એસવીઆઇએસ)ના પ્રિન્સિપાલ સાઇબાબા શેટ્ટી અને ટ્રસ્ટી સંદીપ ગોયેન્કા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.તરલિકા મહેતાએ જણાવ્યાનુસાર ક્રિષ્ણા જન્મથી દૃષ્ટિહીન છે.તે એક પ્રતિભાશાળી વિદ્યાર્થિની અને ટેકવોન્ડો ખેલાડી છે,જેણે ૨૦૧૪માં દક્ષિણ કોરિયાના સોલમાં વર્લ્ડ ટેકવોન્ડો કલ્ચર એક્સ્પોમાં ઓપન કૅટેગરીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરીને સિલ્વર મેડલ મેળવ્યો હતો.

તરલિકા મહેતાએ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે બંને આરોપીઓ સામે કેસ નોંધવા છેલ્લા છ મહિનાથી હું આકાશપાતાળ એક કરી રહી છું,મેં જાન્યુઆરી મહિનામાં કાંદિવલી પોલીસ,ડીસીપી,ઍડિશનલ સીપી અને પોલીસ-કમિશનર સમક્ષ ફરિયાદ નોંધાવી હતી.સ્કૂલ મૅનેજમેન્ટની સતામણીને લીધે ક્રિષ્ણા ડિપ્રેશનમાં સરી પડી હોવાનું જાણવા છતાં તેઓ ફરિયાદ નોંધવા તૈયાર નહોતા.ક્રિષ્ણા ૨૦૧૧માં સિનિયર કેજીથી એસવીઆઇએસમાં દાખલ થઈ હતી અને તેને તે સમયના પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીઓ દ્વારા વિશેષ સુવિધા આપવામાં આવતી હતી.

સ્કૂલમાં જોડાયાના થોડા જ સમયમાં સ્પોર્ટ્સ,અભ્યાસમાં તેની પ્રતિભા જોઈને તેને મફતમાં શિક્ષણ આપવાનો નિર્ણય લીધો,પરંતુ ૨૦૧૭-૧૮માં મૅનેજમેન્ટ બદલાયું અને નવા પ્રિન્સિપાલ(શેટ્ટી)એ તમામ લોકોની હાજરીમાં ક્રિષ્ણાને ઉતારી પાડીને તેનું અપમાન કર્યું.તે કહેતા હતા કે તેને બધું જ દેખાય છે.વાસ્તવમાં ક્રિષ્ણા જ્યારે તેનો સ્કોર પૂછે તો તેને તું અંધ છે આથી તને માર્ક્સ આપું છું એમ કહેતા હતા,જે ક્રષ્ણા માટે ખરેખર અપમાનજનક હતું.

Share Now