કેવી લાચારી… બાયપાસને કરવી પડી બાયપાસ

106

બોરીવલીમાં અચાનક આવેલી ઉપાધિને લીધે બિલ્ડિંગ ખાલી કરાવવામાં આવતાં ગુજરાતીએ બાયપાસ સર્જરી કરવી પડી કૅન્સલ બોરીવલી-વેસ્ટના સાંઈબાબાનગરમાં આવેલી સાંઈધામ સોસાયટીમાં જર્જરિત શ્રેણીમાં ન હોવા છતાં બિલ્ડિંગનો એક ભાગ તૂટી પડતાં રાતોરાત રહેવાસીઓએ બિલ્ડિંગ ખાલી કરવું પડ્યું હતું અને ભાડા પર બીજી જગ્યા શોધવા માટે ભાગદોડ કરવી પડી હતી.અચાનક આ ઘટના બનતાં સોસાયટીના એક રહેવાસી શ્રેણિક શાહે પોતાની બાયપાસ સર્જરી જે ગઈ કાલે હતી એ મુલતવી રાખવી પડી હતી.હવે તેમની બાયપાસ સર્જરી સોમવાર,૧૮ જુલાઈએ કરવામાં આવશે.ઇમર્જન્સી સર્જરી મુલતવી રહેતાં અને બિલ્ડિંગની સમસ્યાને કારણે તેમનું સ્ટ્રેસ વધી ગયું છે.

આ વિશે ૫૩ વર્ષના શ્રેણિક શાહે‘મિડ-ડે’ને કહ્યું હતું કે‘મારી સર્જરી મુલતવી રહેવાને કારણે બંધ કરેલી દવા મારે ફરી શરૂ કરવી પડી છે.રાતોરાત લોકો ઘરબાર વગરના થઈ ગયા છે અને પોતાની કૅપેસિટી મુજબ ઘર શોધી રહ્યા છે.કેટલાક લોકોને ભાડા પર ઘર મળી ગયું છે તો કેટલાક લોકોને હજી નથી મળ્યું.અચાનક ઘર ખાલી કરાવવામાં આવતાં મારી અતિ મહત્ત્વની એવી બાયપાસ સર્જરી મુલતવી રહી હતી.રિલાયન્સ એચઈએન હૉસ્પિટલમાં રવિવારે મારે દાખલ થવાનું હતું અને સોમવારે સર્જરી કરવાના હતા.ડૉક્ટરને મેં સર્જરી મુલતવી રાખવા કહ્યું તો તેમણે મને કહ્યું કે તમારી સર્જરી બને એટલી જલદી કરવી પડે એમ છે;

આ સર્જરી માટે તમે વધુ મોડું કરો નહીં,કેમ કે તમને છ બ્લૉકેજ છે એટલે કંઈ થશે તો અમારી જવાબદારી નહીં.આ બધી ઉપાધિમાં હું કેવી રીતે સર્જરી કરાવું,કેમ કે મારી મમ્મીની ઉંમર ૮૧ વર્ષની છે.હું આ સર્જરી કરાવું તો મારે આઠથી દસ દિવસ હૉસ્પિટલમાં રહેવું પડે.મારી વાઇફ પણ મારી સાથે બ્લૉક સાથે થઈ જાય તો ભાગદોડ કરશે કોણ? આ બધાં કારણોસર મેં મારી સર્જરી હવે આવતા સોમવાર પર પોસ્ટપોન કરી દીધી.આ બિલ્ડિંગમાં મોટા ભાગના મિડલ ક્લાસના લોકો છે.આ બધું સોસાયટીના કમિટી મેમ્બર્સ અને ડેવલપર્સની લાપરવાહીને કારણે છે અને વગર વાંકે રહેવાસીઓ હેરાન થઈ રહ્યા છે.’

Share Now