ભાગીને માલદીવ પહોંચેલા શ્રીલંકન રાષ્ટ્રપતિ પ્રાઈવેટ જેટમાં સિંગાપુર જવા તત્પર

148

કોલંબો : તા.14 જુલાઈ 2022,ગુરૂવાર : પાડોશી દેશ શ્રીલંકામાં આર્થિક સંકટના કારણે શરૂ થયેલા આંદોલને હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે.શ્રીલંકાના લોકો રાજધાની કોલંબો સહિત વિવિધ જિલ્લાના રસ્તાઓ પર ઉતરીને ઉગ્ર પ્રદર્શનો કરી રહ્યા છે.લોકો એટલી હદે આક્રમક બની ગયા છે કે, તેમને નિયંત્રણમાં લેવા પોલીસ માટે મુશ્કેલ બની રહ્યું છે.સરકાર સામેનો વિરોધ ખૂબ જ તેજ બની જવાના કારણે શ્રીલંકામાં ગુરૂવારની સવાર સુધી દેશવ્યાપી કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો હતો.કાર્યવાહક રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે બુધવારે આ અંગેની સૂચના જાહેર કરી હતી.

રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે બુધવારે માલદીવ ભાગી ગયા હતા અને હવે તેઓ સિંગાપુરની યાત્રા માટેની તૈયારીઓ કરી રહ્યા છે.તેઓ પોતાના પત્ની ઈઓમા રાજપક્ષે તથા બે સંરક્ષણ અધિકારી સાથે ગત રાત્રિએ એસક્યુ 437 પર માલેથી સિંગાપુર જવા રવાના થવાના હતા પરંતુ સુરક્ષાના કારણોસર વિમાનમાં નહોતા ગયા.ત્યારે હવે તેમને પ્રાઈવેટ જેટ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી શક્યતા છે.

આંદોલન વચ્ચે શ્રીલંકાના વિપક્ષી નેતાઓએ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે પહેલા વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘે પોતાનું પદ છોડે તેવી માગણી મુકી છે.સ્પીકર મહિન્દા યાપા અબેયવારદેનાના કહેવા પ્રમાણે આગામી 20 જુલાઈના રોજ રાષ્ટ્રપતિ પદ માટે મતદાન યોજાશે.ઉલ્લેખનીય છે કે,વર્તમાન સમયમાં શ્રીલંકા એક અભૂતપૂર્વ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે.દેશના લાખો લોકો ભોજન,દવા,ઈંધણ તથા અન્ય જરૂરી ચીજ-વસ્તુઓની તંગીનો સામનો કરી રહ્યા છે.વડાપ્રધાન વિક્રમસિંઘેએ ગત સપ્તાહે શ્રીલંકા એક દેવાળિયો દેશ બની ગયો હોવાનું સ્વીકાર્યું હતું.

Share Now