મહારાષ્ટ્રમાં પેટ્રોલમાં 5 અને ડીઝલમાં 3 રુપિયાનો ભાવ ઘટાડો

112

મુંબઇ : મહારાષ્ટ્રમાં નવી રચાયેલી સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે.રાજ્યમાં પેટ્રોલના ભાવમાં લીટરે પાંચ રુપિયા અને ડીઝલના ભાવોમાં લીટરે ત્રણ રુપિયા ઘટાડવાનો નિર્ણય આજે મળેલી મુખ્યપ્રધાન તથા નાયબ મુખ્યપ્રધાનની કેબિનેટ બેઠકમાં લેવાયો હતો.આ નિર્ણયને પગલે રાજ્યની તિજોરી પર છ હજાર કરોડનો બોજ વધશે.કેન્દ્ર સરકારે ગત ૨૧મી મેના રોજ પેટ્રોલ અને ડીઝલના એક્સાઈઝના દરોમાં ઘટાડાની જાહેરાત કરી હતી.ત્યરે કેન્દ્ર સરકારે પેટ્રોલના ભાવોમાં લીટરે આઠ રુપિયા અને ડીઝલના ભાવોમાં લીટરે છ રુપિયાનો ઘટાડો જાહેર કર્યો હતો.તેને પગલે તમામ ભાજપ શાસિત રાજ્યોએ પણ ભાવ ઘટાડયા હતા.

વ્યાપક ઉહાપોહ બાદ તત્કાલીન આઘાડી સરકારે થોડા દિવસો બાદ પેટ્રોલમાં લીટરે ૨.૦૮ રુપિયા અને ડીઝલમાં લીટરે ૧.૪૪ રુપિયાનો ઘટાડો જાહેર કર્યો હતો.જોકે તે પછી પણ ગુજરાત અને કર્ણાટક જેવાં પડોશી રાજ્યો કરતાં મહારાષ્ટ્રમા પેટ્રોલ અને ડીઝલના ભાવો વધારે જ રહ્યા હતા.

જોકે,રાજ્યમાં સત્તા પરિવર્તન થતાં અને ભાજપની ભાગીદારી ધરાવતી સરકાર રચાતાં હવે બાકીનાં ભાજપ શાસિત રાજ્યોના ધોરણે મહારાષ્ટ્રમાં ભાવો ઘટશે એ અપેક્ષિત જ હતું.મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ વિશ્વાસ મત જીત્યા બાદ તરત જ આ અંગે ખાતરી આપી હતી.હવે તેના અમલની જાહેરાત ાજે કેબિનેટમાં કરવામાં આવી છે.ઉલ્લેખનિય છે કે હજુ બે દિવસ પહેલાં જ સીએનજીના દરોમાં વધારો થયો છે.

Share Now