નવસારીમાં ગેરકાયદે મંદિરનું ડિમોલિશન, પણ શું અન્ય ધાર્મિક બાંધકામો હટાવવા મામલે પણ આ જ ઝડપે કાર્યવાહી થાય છે ?

196

ગત 25 જુલાઈના રોજ નવસારી નગરપાલિકાએ સ્થાનિકોના વિરોધ વચ્ચે એક રાધાકૃષ્ણ મંદિર તોડી પાડ્યું હતું.મંદિર નવસારીમાં આવેલ સર્વોદય સોસાયટીના ખુલ્લા પ્લોટમાં ગેરકાયદેસર રીતે બાંધવામાં આવ્યું હોવાનું કારણ આપવામાં આવ્યું હતું.જે રીતે સોસાયટીમાં બાંધવામાં આવેલ ગેરકાયદેસર મંદિર તોડવામાં તંત્રે ઝડપ દર્શાવી તેને જોતાં એ પણ જાણવું જરૂરી બની જાય છે કે રેલવે સ્ટેશનો સહિત સરકારી જમીનોમાં અનધિકૃત રીતે તાણી બાંધવામાં આવેલાં દરગાહ સહિતના અન્ય મજહબી, ધાર્મિક બાંધકામો હટાવવામાં સરકારોનું શું વલણ રહ્યું છે તેને લઈને પણ સામાન્ય નાગરિકોમાં ચર્ચા છેડાઈ છે.દેશના વિવિધ ભાગોમાં ધાર્મિક સ્થળોને લઇ થયેલા બાંધકામો અંગેના અહેવાલ ઉપર એક નજર નાંખીએ.

નવસારીમાં સર્વોદય સોસાયટીના ખુલ્લા પ્લોટ પર બાંધવામાં આવેલ રાધાકૃષ્ણનું મંદિર રિયલ એસ્ટેટ બિલ્ડરની માલિકીના એક મોટા પ્લોટ પર આવવા-જવામાં નડતરરૂપ હતું. રિપોર્ટ્સ અનુસાર 150થી વધુ પોલીસ અધિકારીઓ સાથે નુડા ઇન્ચાર્જ ઓફિસર કેતન જોશી,નવસારીના એસપી ઋષિકેશ ઉપાધ્યાય અને અન્ય અધિકારીઓ સર્વોદય સોસાયટી ખાતે સોમવારે સવારે આવી પહોંચ્યા હતા અને બુલડોઝર વડે મંદિર તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.જોકે, ત્યારે જ મહિલાઓ અને યુવાનો સહિતના 200 લોકો કામગીરી અટકાવવા આવી પહોંચતા માહોલ તણાવભર્યો બની ગયો હતો.જે બાદ પોલીસે તેમને સ્થળેથી દૂર કરી ખાનગી જમીન પર હાલમાં જ બનેલું રાધાકૃષ્ણ મંદિર તોડી પાડ્યું હતું.

આ કાર્યવાહી અંગે નિવાસી અધિક કલેક્ટરે એક ન્યૂઝ પોર્ટલને આપેલા નિવદેનમાં કહ્યું કે, “તે અનધિકૃત બાંધકામ હતું. 10 દિવસ પૂર્વે નોટીસ આપવામાં આવી હતી અને સમય પણ અપાયો હતો.જે બાદ હટાવી દેવામાં આવ્યું.જોકે, અહીં એ પણ નોંધવું જોઈએ કે આ મંદિર ગેરકાયદે બાંધવામાં આવ્યું હોવા છતાં હિંદુઓ દ્વારા તેનો ઉપયોગ સંપૂર્ણ ધાર્મિક ઉદ્દેશ્ય માટે કરવામાં આવી રહ્યો હતો,ધાર્મિક ઉન્માદ ફેલાવવા,અંધશ્રદ્ધા ફેલાવવા કે ગરીબ લોકોના શોષણ કરવા માટે નહીં.

નવસારીના એસપી ઋષિકેશ ઉપાધ્યાયે પણ મીડિયા ન્યૂઝ પોર્ટલને જણાવ્યું કે, “નુડાના અધિકારીઓએ અમારો સંપર્ક કર્યો અને ખુલ્લા પ્લોટમાં ગેરકાયદેસર બાંધવામાં આવેલ મંદિરના ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન પોલીસ રક્ષણની માંગ કરી હતી.જે બાદ પોલીસ રક્ષણ હેઠળ મંદિર તોડવામાં આવ્યું.’ જેથી એ પણ નોંધનીય છે કે મંદિરનું ડિમોલિશન કરતી વખતે કઈ રીતે લોકોની ધાર્મિક ભાવનાઓનો અનાદર કરવામાં આવ્યો હતો.

હવે પ્રશ્ન એ સજર્યા છે કે સરકારી જમીન પર અતિક્રમણ કરીને બનાવવામાં આવેલાં અન્ય મજહબી બાંધકામોને લઈને પણ આ જ રીતે ત્વરિત કાર્યવાહી કરવામાં આવે છે? આ પ્રશ્નનો જવાબ કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવના 30 જુલાઈ 2021ના રોજ રાજ્યસભામાં આપેલા ઉત્તર પરથી મળે છે.આ જવાબ પરથી સ્પષ્ટ થાય છે કે કઈ રીતે રેલવેની જમીન કે અમુક કિસ્સાઓમાં રેલવે પ્લેટફોર્મ પર ગેરકાયદે બાંધવામાં આવેલાં ધાર્મિક,મજહબી બાંધકામો તોડવા માટે સરકાર સંઘર્ષ કરી રહી છે.મંત્રી તરફથી આપવામાં આવેલ આ જવાબ હિંદુઓના ગેરકાયદે બાંધકામો અને અન્ય બાંધકામો સામે કાર્યવાહી કરતી વખતે સરકારનું વલણ દર્શાવે છે.

30 જુલાઈ 2021 ના રોજ શિવસેના સાંસદ અનિલ દેસાઈએ આ પ્રકારના અતિક્રમણ વિરુદ્ધ રેલવે પ્રોટેક્શન ફોર્સ અને રેલવે તંત્રે શું પગલાં લીધાં તે મામલે મંત્રીને પ્રશ્ન પૂછ્યો હતો.જેના જવાબમાં કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ કહે છે કે, દેશભરના વિવિધ ઝોન મળીને રેલવે પ્લેટફોર્મ અને યાર્ડ પર કુલ 179 ગેરકાયદેસર ધાર્મિક બાંધકામો આવેલાં છે.જે મંદિરો,મસ્જિદો, દરગાહ વગેરે સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે અને ઘણા લાંબા સમયથી જે-તે જગ્યાએ સ્થિત છે.એમ પણ જણાવવામાં આવ્યું કે, આ બાંધકામોની વિગતો નોંધવામાં આવી છે અને તેનું વિસ્તરણ નહીં થાય તે માટે સતત મોનીટરીંગ કરવામાં આવે છે.એમ પણ જણાવવામાં આવ્યું કે, આ ગેરકાયદે બંધકામો હટાવવા માટે RPF અને GRP દ્વારા સ્થાનિક તંત્રને સાથે રાખીને પ્રયત્નો કરવામાં આવ્યા છે.તેઓ આગળ જણાવે છે કે, ‘ઘણા કિસ્સાઓમાં રેલવે તંત્રે આ ગેરકાયદે મજહબી બાંધકામો હટાવવા માટે લોકોના વિરોધનો સામનો કરવો પડે છે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિના કારણે આ બાંધકામો હટાવવાં કઠિન બની જાય છે તેમજ રાજ્ય સરકારોના સહયોગ વગર આ શક્ય નથી,જે ઘણા કેસમાં મળતો નથી.’ આ ઉપરાંત રેલવે વિભાગે ધાર્મિક બાંધકામોનું સંચાલન કરતી સમિતિઓના સભ્યો સાથે વાટાઘાટો કરી મુદ્દાનું સમાધાન લાવવા અને અન્ય જગ્યાએ જે-તે બાંધકામ ખસેડી દેવા માટે સમજાવવામાં આવતા રહ્યા છે.

અહીં જે રીતે સરકાર દ્વારા જાહેર જગ્યાઓ પર ગેરકાયદે બાંધકામો વધુ અતિક્રમણ નહીં કરે તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે તે પ્રશંસાને પાત્ર છે.પરંતુ એ પણ નોંધનીય છે કે કઈ રીતે અન્ય ધાર્મિક બાંધકામો કેમ હજુ પણ અસ્તિત્વમાં છે તે સમજાવવા માટે કાયદો-વ્યવસ્થાના કારણ આપવામાં આવે છે.પરંતુ નવસારીમાં મંદિર તોડતી વખતે આ જ ‘કાયદો-વ્યવસ્થા’ મુદ્દો બન્યો ન હતો.જેને લઇ નવસારીના રાજકારણ અને સ્થાનિકોમાં મંદિરનું ડિમોલિશન કરાતા ભારોભાર રોષ જોવા મળ્યો હતો.સોશિઅલ મીડિયા પ્લેટફોર્મ અને વોટસઅપ ગ્રૂપમાં મંદિરના ડિમોલિશનને લઇ ખાસ્સી ચર્ચાઓનો દોર ચાલ્યો છે.લોકો પોતાની ધાર્મિક આસ્થાને લઇ વિવિધ પ્રકારે પ્રશ્નોનો મારો ચલાવી દુઃખની લાગણી અનુભવી રહ્યા છે તેમજ પ્રશ્ન પણ પૂછી રહ્યા છે કે કોર્ટ કાર્યવાહી શરુ હોય તે દરમ્યાન આટલી ઝડપે કોના ઈશારે મંદિર તોડી પાડવા કાર્યવાહી હાથ ધરાઈ ? નવસારીમાં ભલે મંદિર તૂટ્યું હોઈ પણ એની અસર સમગ્ર રાજ્ય અને દેશમાં ચર્ચાનો વિષય બની છે.નેશનલ મીડિયાએ પણ આ મંદિર તોડી પાડવામાં આવતા ખાસ્સું એવું કવરેજ કર્યું હતું.આ ઉપરાંત નવસારીના કેટલાક વોટ્સએપ ગ્રુપમાં પણ મંદિરના ડિમોલિશનની કાર્યવાહીને લઇ ભારે ચર્ચા અને આક્રોશ ઠાલવી પૂછવામાં આવી રહ્યું છે કે શા માટે અન્ય ધાર્મિક કે મજહબી સ્થળો કે જે પણ સરકારી ગાઇડલાઇન મુજબ કાર્યવાહી હેઠળ સમાવિષ્ટ છે તો મંદિર જેમ ડિમોલીશ કરાયું એ જ રીતે ઝડપભેર કાર્યવાહી અન્ય મામલાઓમાં કેમ દર્શાવતી નથી ?

વધુમાં આ પ્રકારના ગેરકાયદેસર અન્ય બાંધકામો પણ અલગ નથી.જેથી નવસારીમાં ગેરકાયદે મંદિરનું ડિમોલિશન સરકાર અને તંત્રને તેમની નીતિઓ અંગે વિચાર કરવા અને વિવિધ ધાર્મિક બાંધકામો સામે કાર્યવાહી કરવા મામલે તેમના દ્રષ્ટિકોણમાં સમાનતા લાવવા માટે વિચાર કરવા મજબુર કરે છે અને જે સ્પષ્ટપણે ફલિત પણ થઇ રહ્યું હોય એવું હાલની સ્થિતિ જોતા લાગી રહ્યું છે.

Share Now