સુરત : 18 ઓક્ટોબરના રોજ પુષ્ય નક્ષત્ર હતું. ત્યારે કોરોનાના બે વર્ષ બાદ મંગળવારનો દિવસ વેપારીઓ માટે મંગળમય સાબિત થયો.સામાન્ય રીતે જ્યોતિષ શાસ્ત્રમાં 27 નક્ષત્રોમાં પુષ્ય નક્ષત્ર આઠમું નક્ષત્ર છે,જેને નક્ષત્રોનો રાજા પણ કહેવાય છે. પુષ્ય નક્ષત્રના દિવસે સોના-ચાંદી,ઘરેણાં સહિત કોઈ પણ વસ્તુ ખરીદવી હંમેશા શુભ માનવામાં આવે છે.ત્યારે ગઈકાલે બજારમાં ખરીદી કરવા લોકો ઉમટી પડ્યા હતા.
અમદાવાદમાં પુષ્ય નક્ષત્રમાં 125 કિલો સોનું અને 1200 કિલો ચાંદી વેચાઈ
પુષ્ય નક્ષત્રના દિવસે અનેક શહેરોમાં સોના-ચાંદીની જ્વેલર્સની દુકાનો પર સોનું-ચાંદી લેવા માટે લોકોની પડાપડી થઇ હતી.અમદાવાદમાં પુષ્ય નક્ષત્રમાં 125 કિલો જેટલું સોનુ અને 1200 કિલો ચાંદીનું વેચાણ થયું હતું.શહેરમાં 23 લાખની એક હીરાજડિત વીંટી પણ વેચાઈ હતી.જ્યારે સોનામાં 60 ટકા લગડી અને સિક્કાનું વેચાણ થયું હતું. 30 ટકા ફેશનની અને 20 ટકા લગ્ન માટેની ખરીદી થઈ હતી.
સુરતમાં લગભગ 30 કરોડની કિંમતના સોનાનું વેચાણ થયું
તો સુરતમાં પણ પુષ્ય નક્ષત્રમાં 70 કિલો સોનાના દાગીનાનું વેચાણ થયું હતું.સુરતમાં એક અંદાજ પ્રમાણે 30 કરોડની કિંમતના સોનાનું વેચાણ થયું હતું.કુલ વેચાણમાંથી 40% સોનાની લગડી,બિસ્કિટ અને સોનાના સિક્કાનું વેચાણ થયું.શહેરની 2500 જ્વેલરી શોપમાં દાગીના ખરીદવા લોકો સવારથી ઉમટી પડ્યા હતાં.ખાસ કરીને સોનાની લગડી,લાઈટ વેઈટ,પ્લેટિનમ જ્વેલરી અને લેબગ્રોન હીરા જડીત જ્વેલરીની ડિમાન્ડ રહી હતી.કુલ વેચાણમાંથી 40 ટકા સોનાની લગડી,બિસ્કિટ અને સોનાના સિક્કાનું વેચાણ થયું હતું.બપોરે અઢી વાગ્યા પછી સારું મૂર્હત હોવાથી લોકો બપોર પછી ખરીદી કરવા માટે ઉમટી પડ્યા હતા.
રોકાણ તરીકે પણ ખરીદી
ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશનના ગુજરાત બોર્ડના એડવાઈઝરી મેમ્બર નૈનેષ પચ્ચીગરે કહ્યું કે, ‘રોકાણની દ્રષ્ટીએ સોનાની ખરીદી કરનારા લોકોએ અને લગ્ન માટેની ખરીદી પણ પુષ્ય નક્ષત્રના દિવસે કરવામાં આવી હતી.જેટલું સોનાનું વેચાણ થયું તેમાંથી 40 ટકા સોનાની લગડી અને સિક્કાનું વેચાણ જોવા મળ્યું હતું.’
ધનતેરસના દિવસે પણ સોના-ચાંદીના દાગીનાનું થશે ધૂમ વેચાણ
વેપારીઓનું કહેવું હતું કે, પુષ્ય નક્ષત્ર નિમિત્તે ઘણા બધા ગ્રાહકોએ એડવાન્સમાં મનગમતી ડિઝાઈનવાળા દાગીનાનો ઓર્ડર આપી દીધો હતો.હજુ ધનતેરસના દિવસે પણ સોના-ચાંદીના સિક્કા અને દાગીનાનું ધૂમ વેચાણ થશે.વેપારીઓનું કહેવું છે કે, હાલમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે.આથી આ વર્ષે દિવાળીમાં લોકોએ સોના-ચાંદીની ધૂમ ખરીદી કરી છે.જ્યારે દિવાળી પૂર્ણ થયા બાદ તુરંત લગ્નની સિઝન શરૂ થતી હોવાથી ઘણા બધા લોકોએ પુષ્ય નક્ષત્રમાં લગ્નસરાની ખરીદી કરી લીધી છે.