પશ્ચિમ બંગાળમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો, બીજેપીએ TMC પર લગાવ્યો આરોપ

85

– PM મોદીએ મુખ્યમંત્રી મમતા બેનર્જીની હાજરીમાં આ ટ્રેનને લીલી ઝંડી આપી હતી

કોલકાતા, તા. 03 જાન્યુઆરી 2023, મંગળવાર : વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે.પશ્ચિમ બંગાળમાં પ્રીમિયર સેમી હાઈ-સ્પીડ ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો છે.પથ્થરમારાની આ ઘટનામાં વંદે ભારત ટ્રેનની બારીના કાચ તૂટી ગયા છે.હાવડાથી ન્યૂ જલપાઈગુડીને જોડતી સેમી હાઈ-સ્પીડ વંદે ભારત ટ્રેન 4 દિવસ પહેલા આ રેલ માર્ગ પર શરૂ કરવામાં આવી હતી.વંદે ભારત ટ્રેન પર હુમલાની આ ઘટના માલદા સ્ટેશન પાસે બની હતી.વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થયાની માહિતી મળતા જ રેલવે તંત્રમાં હડકંપ મચી ગયો હતો.

ઘટનામાં ટ્રેનના C-13 કોચના કાચને નુકસાન

પ્રાપ્ત માહિતી પ્રમાણે તે ન્યૂ જલપાઈગુડીથી ચાલીને હાવડા આવી રહી હતી.માલદા જિલ્લાના કુમારગંજમાંથી જ્યારે ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે વંદે ભારત પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.આ ઘટનામાં ટ્રેનના C-13 કોચના કાચને નુકસાન થયું હતું.હાવડા-ન્યૂ જલપાઈગુડી વચ્ચે વંદે ભારત એક્સપ્રેસનું સંચાલન 30 ડિસેમ્બર 2022ના રોજ શરૂ થયું હતું.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની હાજરીમાં આ ટ્રેનને લીલી ઝંડી આપી હતી પરંતુ લોન્ચિંગના થોડા દિવસો બાદ જ ટ્રેન પર પથ્થરમારાની ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા છે.

ભાજપે TMC કાર્યકર્તાઓ પર લગાવ્યો આરોપ

રેલવેએ વંદે ભારત ટ્રેન પર હુમલાની તપાસના આદેશ આપ્યા છે.તપાસમાં એ જાણવા મળશે કે પ્રીમિયર સેમી-હાઈ-સ્પીડ ટ્રેન પર કોણે પથ્થરમારો કર્યો હતો.દરમિયાન આ ઘટના પર ભાજપે આકરી પ્રતિક્રિયા આપી છે.ભાજપે TMC કાર્યકર્તાઓ પર વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવાનો આરોપ લગાવ્યો છે.બીજેપી નેતા શુભેંદુ અધિકારીએ તેને ટીએમસીનું ષડયંત્ર ગણાવ્યું છે.

અગાઉ પણ વંદે ભારત ટ્રેનને ટાર્ગેટ કરવામાં આવી હતી

સેમી-હાઈ-સ્પીડ વંદે ભારત ટ્રેનને પહેલીવાર નિશાન બનાવવામાં આવી નથી.આ પહેલા પણ અનેક વખત અરાજક તત્વો દ્વારા વંદે ભારત ટ્રેનને નિશાન બનાવવામાં આવી છે. 15 ડિસેમ્બર 2022 ના રોજ, છત્તીસગઢમાં નાગપુર-બિલાસપુર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.જેના કારણે ટ્રેનની બારીના કાચ તૂટી ગયા હતા.દુર્ગ અને ભિલાઈ સ્ટેશન વચ્ચે આ ઘટના બની હતી.

Share Now