વડાપ્રધાનની મુંબઈ મુલાકાતને લઈને અત્યારથી પોલીસ-બંદોબસ્ત વધારાયો

376

– વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૦ ફેબ્રુઆરીએ વહોરા સમાજ દ્વારા બનાવવામાં આવેલી અલ જમિયા તસ સૈફિયા યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કરવા માટે ફરી આવી રહ્યા છે

મુંબઈ ,તા.31 જાન્યુઆરી 2023,મંગળવાર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૦ ફેબ્રુઆરીએ ફરી મુંબઈની મુલાકાતે આવી રહ્યા છે.તેઓ અંધેરી-પૂર્વમાં મરોલ ખાતે આવેલી વહોરા કૉલોનીમાં વહોરા સમાજ દ્વારા બનાવવામાં આવેલી અલ જમિયા તસ સૈફિયા યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કરવા માટે ફરી આવી રહ્યા છે.આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ઝૂંપડપટ્ટી આવેલી છે એટલે વડા પ્રધાનની સલામતી પોલીસ માટે માથાનો દુખાવો બની શકે છે.આ વાતને ધ્યાનમાં રાખીને મુંબઈના પોલીસ કમિશનર વિવેક ફણસળકરે વહોરા કૉલોનીમાં રવિવારે ચાર કલાક અહીંની સિક્યૉરિટીની ચકાસણી કરી હતી.એ સિવાય ગઈ કાલે પણ ઝોન ૧૦ના ડેપ્યુટી પોલીસ કમિશનર મહેશ્વર રેડ્ડી અને મુંબઈ મહાનગરપાલિકાના સ્થાનિક કે/ઈસ્ટ વૉર્ડના અધિકારી મનીષ વાળુંજે પણ વહોરા કૉલોની અને આસપાસના વિસ્તારોની વડા પ્રધાનની મુલાકાત સંબંધે માહિતી મેળવી હતી.વડાપ્રધાન ૧૦ ફેબ્રુઆરીએ મુંબઈ આવે ત્યારે તેઓ સીએસએમટી-સાંઈનગર શિર્ડી અને સોલાપુર-સીએસએમટી વચ્ચેની બે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને પણ લીલી ઝંડી દેખાડી શકે છે.૧૮ જાન્યુઆરીએ વડા પ્રધાને મુંબઈમાં મેટ્રો ૨એ અને ૭નું લોકાર્પણ કરવાને હજી મહિનો પણ નથી થયો ત્યાં તેઓ બીજી વખત મુંબઈની મુલાકાતે આવી રહ્યા છે.

અધિકારીઓની બદલી માટે રૂપિયા લેવાયા હતા?

રાજ્યમાં મહાવિકાસ આઘાડીની સરકાર હતી ત્યારે સરકારી અધિકારીઓની બદલી કરવા માટે રૂપિયા લેવામાં આવ્યા હોવા બાબતની એક ઑડિયો-ક્લિપ ગઈ કાલે વાઇરલ થઈ હતી. આ ઑડિયો-ક્લિપ ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા અને ઔરંગાબાદના ભૂતપૂર્વ સાંસદ ચંદ્રકાંત ખૈરેના પુત્ર હૃષીકેશની હોવાનું જાણવા મળ્યું હતું.આથી રાજકીય ખળભળાટ મચી ગયો છે. હૃષીકેશ ખૈરેએ એક અધિકારીની બદલી કરવા માટે બે લાખ રૂપિયા લીધા હોવાનું ઑડિયો-ક્લિપની વાતચીતમાં જણાઈ આવે છે.હૃષીકેશ ખૈરે ઠાકરે જૂથના યુવાસેનાના મુખ્ય નેતા છે.ઑડિયો-ક્લિપમાં એક વ્યક્તિ કહેતી સંભળાય છે કે હૃષીકેશે તેની પાસેથી બે લાખ રૂપિયા બદલી કરવા માટે લીધા હતા,પરંતુ તેમણે કામ કર્યું નથી અને રૂપિયા પણ પાછા નથી આપતા.પોલીસ વિભાગમાં બદલી કરવા માટે રૂપિયા લેવાનો આરોપનો સામનો ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ કરી રહ્યા છે.ત્યાર બાદ સરકારી અધિકારીની બદલીમાં પણ રૂપિયા લેવામાં આવ્યા હોવાનો નવો આરોપ થયો છે.હૃષીકેશ ખૈરેએ જોકે આ વિશે ખુલાસો કરતાં કહ્યું હતું કે આ રૂપિયા બદલી માટે નહીં પણ બીજા વ્યવહાર માટે લેવામાં આવ્યા હતા.

વિધાન પરિષદની પાંચ બેઠકમાં મતદાન થયું

રાજ્યની વિધાન પરિષદની પાંચ બેઠકો માટે ગઈ કાલે મતદાન થયું હતું.એમાં બીજેપી-શિંદે જૂથ સામે મહાવિકાસ આઘાડીની સીધી ટક્કર જોવા મળી હતી. ૭ ફેબ્રુઆરીએ બે ગ્રૅજ્યુએટ્સ કૉન્સ્ટિટ્યુઅન્સી અને ત્રણ ટીચર્સ કૉન્સ્ટિટ્યુઅન્સીની મુદત પૂરી થઈ રહી છે.આથી નાગપુર,નાશિક,ઔરંગાબાદ,અમરાવતી અને કોંકણ વગેરે વિધાન પરિષદની બેઠકો માટે ગઈ કાલે મતદાન કરવામાં આવ્યું હતું.મતગણતરી બીજી ફેબ્રુઆરીએ હાથ ધરવામાં આવશે.બીજેપીએ અમરાવતીમાં રણજિત પાટીલ,નાગપુરમાં નાગોરાવ ગનાર,કોંકણમાં જ્ઞાનેશ્વર મ્હાત્રે અને ઔરંગાબાદ બેઠકમાં કિરણ પાટીલને ઉમેદવારી આપી હતી,જ્યારે નાશિકમાં કોઈ ઉમેદવાર નહોતો આપ્યો.અહીં કૉન્ગ્રેસમાં બળવો કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવનારા સત્યજિત તાંબેને બીજેપીએ સમર્થન આપ્યું હોવાનું કહેવાય છે.આ સામે મહાવિકાસ આઘાડી વતી શુભાંગી પાટીલ,બલરામ પાટીલ,વિક્રમ કાતે,સુધાકર અબ્દાળે અને ધીરજ લિંગાડેને અનુક્રમે નાશિક,કોંકણ,ઔરંગાબાદ,નાગપુર અને અમરાવતીની બેઠકોમાં ઉમેદવારી આપવામાં આવી હતી.

Share Now